97%થી વધુ નોટ બેંકને રિટર્ન કરવામાં આવી, આ નોટ કાયદેસર રીતે માન્ય ગણાશે: રિઝર્વ બેંક
ખાસ-ખબર સંવાદદાતા
2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત બાદ મોટાભાગની નોટ બેંકોમાં જમા થઈ ગઈ છે. રિઝર્વ બેંકે તાજેતરના અપડેટમાં કહ્યું છે કે અત્યાર સુધી ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોમાંથી 97 ટકાથી વધુ પરત આવી ગઈ છે. સેન્ટ્રલ બેંકે શુક્રવાર, 1 ડિસેમ્બરના રોજ જણાવ્યું હતું કે 19 મે, 2023ના રોજ ચલણમાં 2000 રૂપિયાની નોટોમાંથી 97.26 ટકા નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. આ સાથે સેન્ટ્રલ બેંકે કહ્યું કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર છે અને ભવિષ્યમાં પણ લીગલ ટેન્ડર રહેશે. રિઝર્વ બેંકે 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. સેન્ટ્રલ બેંકનો આ નિર્ણય ડિમોનેટાઇઝેશન સાથે જોડાયેલો હતો અને તેને મિની ડિમોનેટાઇઝેશન પણ કહેવામાં આવતું હતું. 19 મે, 2023 સુધીમાં ચલણમાં રૂ. 2000ની નોટની કિંમત રૂ. 3.56 લાખ કરોડ હતી. 30 નવેમ્બર, 2023ના અંત પછી, ચલણમાં 2000 રૂપિયાની નોટોની કિંમત માત્ર 9,760 કરોડ રૂપિયા રહી ગઈ છે. અગાઉ નોટો બદલવાનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર હતો, પરંતુ છેલ્લા દિવસે આરબીઆઈએ એની મુદત એક સપ્તાહ વધારી દીધી હતી.
- Advertisement -
આરબીઆઈએ એક પરિપત્ર જાહેર કરીને કહ્યું હતું કે ’ઉપાડની પ્રક્રિયાના નિર્ધારિત સમયની સમાપ્તિ પછી સમીક્ષાના આધારે 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલાવવાની વર્તમાન સિસ્ટમને 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’ રિઝર્વ બેંકે નવેમ્બર 2016માં નોટબંધી બાદ રૂ. 2000ની નોટ રજૂ કરી હતી. રિઝર્વ બેંકે 19 મે, 2023ના રોજ ઉપાડની જાહેરાતના ઘણા સમય પહેલાં આ અંગે પોતાનું મન બનાવી લીધું હતું. રિઝર્વ બેંકે 2019માં જ 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, 31 માર્ચ, 2018ના રોજ ચલણમાં આવેલી રૂ. 2000ની નોટોનું કુલ મૂલ્ય રૂ. 6.73 લાખ કરોડ હતું અને આ જ રૂ. 2000ની નોટોના સર્ક્યુલેશનનું સર્વોચ્ચ સ્તર છે. 2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમની જગ્યાએ નવી પેટર્નમાં રૂ.500 અને રૂ.2000ની નવી નોટો જાહેર કરવામાં આવી હતી. જોકે આરબીઆઈએ વર્ષ 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે. જ્યારે 2021-22માં 38 કરોડ 2000 રૂપિયાની નોટોનો નાશ કરાયો હતો.