ગુજરાત-પંજાબ-દિલ્હીમાં સૌથી વધુ 2000ની નોટ પરત કરવામાં આવી
પરત કરવામાં આવેલી 80% નોટ ખાતાઓમાં જમા થઇ: ક્યાંય દેકારો કે લાઇન જોવા મળી નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 23 મેના રોજ બજારમાંથી રૂપિયા 2,000ની નોટો પાછી ખેંચવા માટે શરૂ કરવામાં આવેલી કવાયતે હવે વેગ પકડવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય બેંકના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રા2,000ની 35 ટકા નોટો પરત આવી છે. 31 માર્ચ, 2023 સુધીમાં, 2,000 રૂપિયાની 18,111 લાખ નોટો ચલણમાં હતી, જે વોલ્યુમની દ્રષ્ટિએ ચલણમાં રહેલી કુલ નોટોના લગભગ 1.3 ટકા જેટલી છે. આરબીઆઈએ 2018-19માં રૂપિયા 2,000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. ચલણમાં રહેલી આ નોટોનું કુલ મૂલ્ય 31 માર્ચ, 2018ના રોજ 6.73 લાખ કરોડ રૂપિયા (ચલણમાં 37.3 ટકા નોટો)ની ટોચથી ઘટીને 31 માર્ચ, 2023ના રોજ ઘટીને 3.62 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે (ફકત 10.8 ટકા નોટો ચલણમાં છે).
સૂત્રોએ જણાવ્યું હતું કે હવે પાછી આવેલી લગભગ 80 ટકા નોટો ખાતામાં જમા થઈ ગઈ છે જયારે બાકીની બદલી કરવામાં આવી છે. ગયા મહિને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન દિનેશ ખરાએ કહ્યું હતું કે બેંકને લગભગ 17,000 કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટો મળી હતી, જેમાંથી 14,000 કરોડ રૂપિયાની નોટો જમા થઈ ગઈ છે. નોટો પરત કરવાની ઝડપમાં વધારો થયો હોવા છતાં બેંકોમાં લોકોની ખાસ ભીડ જોવા મળતી નથી. નોટબંધી દરમિયાન રૂપિયા 500 અને 1000 રૂપિયાની નોટો બદલવા માટે બેંકોમાં લાંબી કતારો જોવા મળી હતી.
એક સૂત્રએ કહ્યું, આ વખતે નોટોની સંખ્યા ઘણી ઓછી છે. નોટબંધી દરમિયાન ચલણમાં રહેલી 87 ટકા નોટો પાછી ખેંચી લેવામાં આવી હતી. આ વખતે ચલણમાં રહેલી માત્ર 10.8 ટકા જ નોટો પાછી ખેંચી શકાઈ છે. આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસે કહ્યું કે કેન્દ્રીય બેંકના વિશ્ર્લેષણ મુજબ, સમગ્ર પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ દેખાતો નથી. તેમણે કહ્યું કે લોકો માટે બેંક શાખાઓમાં ધસારો કરવાનું કોઈ કારણ નથી કારણ કે તેમને નોટો જમા કરાવવા અથવા બદલવા માટે ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
- Advertisement -
2016માં નોટબંધી દરમિયાન રૂ.500 અને રૂ.1,000ની નોટો તાત્કાલિક અસરથી રદ કર્યા બાદ રૂ.2,000ની નોટો જારી કરવામાં આવી હતી. 19 મેના રોજ, આરબીઆઇએ તેની કલીન નોટ પોલિસીના ભાગરૂપે ચલણમાંથી રૂ.2,000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. નોટ ઉપાડવાની પ્રક્રિયા 23 મેના રોજ શરૂ કરવામાં આવી હતી, જે 30 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે. અત્યારે પણ 2000 રૂપિયાની નોટ ચલણમાં છે.