મેંદરડાનાં માલણકામાં વીજ કર્મીઓનું સન્માન કરાયું
ખાસ ખબરસંવાદદાતા
તૌકતે વાવાઝોડામાં ઊના-રાજુલા-અમરેલી સહિત દરિયાઇ પટ્ટીનું વિજમાળખુ સંપૂર્ણ જમીન દોસ્ત થયું હતું.
અવારનવાર આવતી આવી કુદરતી આપત્તિઓથી વિજ માળખાને સુરક્ષીત રાખવા દરિયાઇ પટ્ટીના 20 કિ.મી. વિસ્તારમાં વિજમાળખાને સંપૂર્ણ સુદ્વઢ કરવા સાથે અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગ કરાશે. તેમ કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું.
તૌકતે વાવાઝોડામાં વિજ પુરવઠો પુન:સ્થાપીત કરવા શ્રેષ્ઠ યોગદાન આપનાર વિજ કચેરીના કર્મચારીઓનો સન્માન સમારોહ ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મેંદરડા પાસેના માલણકા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ વધુમાં કહ્યું કે, દરિયાઇ પટૃી લોકોને તોફાનોમાં વિજળી જવાનો કાયમી ડર હોય છે.
આ સમસ્યાના કાયમી નિવારણ માટે કેન્દ્ર સરકારની આરડીએસએસ યોજના દ્વારા ફાળવેલ નાણાથી આગામી વર્ષોમાં દરિયાઇ પટૃીના 20 કિ.મી. વિસ્તારના વિજ માળખાના સંપૂર્ણ નેટવર્કની કાયાપલટ કરાશે.
આ પ્રસંગે જેટકોના એમ.ડી. શ્રી ઉપેન્દ્ર પાંન્ડેએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા સાથે આપદાઓમાં વિજ માળખાને કમ સે કમ નુકશાન થાય અને નુકશાન થાય તો કમ સે કમ સમયમાં વિજ પુરવઠો પુન:સ્થાપીત કરવાનું આપણું લક્ષ્ય છે.