સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખોમેનીએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી
ઇરાનના ઇતિહાસમાં 50 વર્ષમાં સૌથી મોટો આતંકી હુમલો
- Advertisement -
અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયેલા કાસીમ સુલેમાનીને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકો એકઠા થયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
શિયા મુસ્લિમ બહુમતવાળા દેશ ઇરાનમાં બે મોટા વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ એટલા શક્તિશાળી હતા કે તેમાં 105 નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે 211થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇરાનના હીરો ગણાતા પૂર્વ સૈન્ય વડા કાસીમ સુલેમાનીની કબર પાસે હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. તે સમયે જ બે ધમાકેદાર વિસ્ફોટ થયા હતા. એક રિપોર્ટ અનુસાર વિસ્ફોટ માટે સુલેમાનીની કબર પાસે અને રસ્તામાં ઘાતક વિસ્ફોટકો બિછાવવામાં આવ્યા હતા. જેને બાદમાં આતંકીઓએ રિમોટથી બ્લાટ કર્યા હતા. ઇરાનના ઇતિહાસમાં 1979 પછીનો આ સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે.
2020માં તત્કાલીન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઇરાનના સૈન્ય વડા જનરલ કાસીમ સુલેમાની પર ડ્રોન હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા સુલેમાનીની વરસીએ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેમના ચાહકો બુધવારે એકઠા થયા હતા. જે દરમિયાન એક વિસ્ફોટ કબર પાસે જ્યારે બીજો વિસ્ફોટ કબર તરફ જતા રસ્તા પર થયો હતો. ગણતરીની મીનીટોમાં જ થયેલા આ બન્ને વિસ્ફોટ પાછળ આતંકીઓનો હાથ હોવાનો દાવો ઇરાને કર્યો છે.
ઇરાનના કેરમનમાં થયેલા આ વિસ્ફોટ એવા સમયે સામ આવ્યા છે જ્યારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મહિના સુધી યુદ્ધ ચાલ્યું, જેમાં હમાસને ઇરાન દ્વારા મદદ મળી રહી હોવાનો દાવો ઇઝરાયેલ કરતું આવ્યું છે. જ્યારે ઇરાનના જનરલ કાસીમ સુલેમાનીની હત્યા અમેરિકાએ કરી છે. ઇરાનની અમેરિકા અને ઇઝરાયેલ સાથેની દુશ્મની વધી રહી છે. જ્યારે અગાઉ ઇરાનમાં આતંકી હુમલા પણ થયા હતા. એવામાં આ વિસ્ફોટ પાછળ કોણ જવાબદાર છે તેને લઇને પણ અનેક અટકળો ચાલી રહી છે. વિસ્ફોટ સમયે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર હાજર હતા, જેથી ધમાકા બાદ લોકોમાં ભારે નાસભાગ થઇ હતી જેમાં પણ અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટને પગલે ઇરાનમાં હાલ ઇમર્જન્સીની સ્થિતિ છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કેરમન પ્રાંતના રેડ ક્રેસન્ટ રેસ્ક્યૂ વિભાગના વડા રેઝા ફલ્લાહે કહ્યું હતું કે હુમલા બાદ લોકોમાં રોષ વધી રહ્યો છે,ઘટના સ્થળની આસપાસ હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા જેને કારણે જે લોકો ઘવાયા છે તેમને રેસ્ક્યૂ કરવામાં પણ અવરોધ ઉભો થઇ રહ્યો છે. ઇરાનના મીડિયાનો એવો પણ દાવો છે કે વિસ્ફોટ માટે ગેસ સીલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે ઇરાનના અધિકારો તપાસ કરી રહ્યા છે. કાસીમ સુલેમાની ઇરાનના લોકોમાં બહુ ખ્યાતી ધરાવે છે.
ઇરાકની રાજધાની બગદાદના એરપોર્ટ પાસે જ અમેરિકાના ડ્રોન હુમલામાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી. ઇરાકમાં તેઓ ઇરાની સૈન્યની કમાન સંભાળી રહ્યા હતા. કાસીમની કબર પાસે થયેલા આ બે મોટા વિસ્ફોટની જવાબદારી હજુસુધી કોઇ આતંકી સંગઠને સ્વીકારી નથી. આ પહેલા ઇરાનમાં 2022માં એક ધાર્મિક સ્થળ પાસે આતંકી હુમલો થયો હતો જેની જવાબદારી સુન્ની મુસ્લિમોના આતંકી સંગઠને લીધી હતી. જ્યારે ઇરાનના સ્થાપક આયતોલ્લાહ રોહલ્લાહની કબર પાસે 2017માં પણ મોટો વિસ્ફોટ થયો હતો, આ ઉપરાંત ઇરાનની સંસદ પર પણ હુમલો કરાયો હતો. જેની જવાબદારી પણ આતંકી સંગઠનોએ લીધી હતી. તાજેતરના હુમલા પાછળ પણ આઇએસ જેવા સુન્ની મુસ્લિમ આતંકી સંગઠન જવાબદાર હોવાની શક્યતાઓ છે. અગાઉ આઇએસએ શિયા મુસ્લિમો પર હુમલાની અનેક જાહેરાતો કરી છે.