મહાભીડ – મહાજામની પરવા વિના છલકાતો માનવ સમંદર
એક માસ કલ્પવાસમાં રહેનારા લોકોના પારણા : તમામ ઘાટ પર શ્રધ્ધાળુઓની ભીડ : હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા : અભૂતપૂર્વ વ્યવસ્થા : વહેલી સવારથી યોગીનું મોનિટરીંગ
- Advertisement -
ગંગા, યમુના તથા અદ્રશ્ય સરસ્વતીનાં સંગમતટ પર ચાલી રહેલા મહાકુંભમાં આજે માદ્ય પુર્ણિમાના પવિત્ર સ્નાન માટે શ્રધ્ધાળુઓનો મહાસાગર સર્જાયો છે. મહાભીડ, મહાજામ જેવા પડકારોની પરવાહ કર્યા વિના લાખોની સંખ્યામાં ભાવિકો પવિત્ર સ્નાન ડુબકી લગાવવા ઉમટયા હતા. 2.50 કરોડ ભાવિકો આજે અમૃતસ્નાન કરીને પુણ્યનું ભાથુ બાંધે તેવુ અનુમાન છે.કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
મહાકુંભનાં માર્ગો પર જામ સહીતનાં પડકારોનો સામનો કરીને મહાકુંભમાં પહોંચી રહેલા શ્રધ્ધાળુઓમાં ઉત્સાહ હિલોળે ચડયાનું જોવા મળતુ હતું. સવાર સુધીમાં જ 47 લાખ ભાવિકોએ પુણ્ય સ્નાન કરી લીધુ હતું. સાંજ સુધી ચાલનારા માદ્ય પુર્ણિમાનાં શુભ મુર્હુર્ત દરમ્યાન અઢી કરોડ લોકો સંગમમાં પવિત્ર ડુબકી લગાવે તેવો અંદાજ મુકાયો છે.
હર હર ગંગે અને હર હર મહાદેવના દિવ્ય જયઘોષ સાથે મહાકુંભમાં ઉમટતા લાખો લોકો પર આજે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. માદ્ય પુર્ણિમાના અમૃત સ્નાનમાં વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે મેળાક્ષેત્ર તથા સમગ્ર પ્રયાગરાજ શહેરને નો-ફલાય ઝોન જાહેર કરી દેવામાં આવ્યું જ હતું. વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે ખુદ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ વહેલી સવારથી મૌજુદ રહ્યા હતા. અને તમામ સરકારી વિભાગો-અધિકારીઓને એલર્ટ કરી દીધા હતા.
- Advertisement -
પ્રયાગરાજમાં નો-વ્હીકલ ઝોનની નીતીને કારણે મહાકુંભમાં પહોંચવા માટે લોકોને લાંબુ અંતર પગપાળા જ કાપવુ પડવાની નોબત છે. છતાં ધાર્મિક ઉત્સાહમાં કોઈ ઓટ ન હતી અને ભાવિકોનું ઘોડાપુર ઉમટયુ હતું.
શ્રધ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાર્કીંગ-ટ્રાફીક ડાયવર્ઝન સહીતના કદમ ઉઠાવવામાં આવ્યા હતા. 15 જીલ્લા કલેકટરો તથા 20 આઈએએસને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
અત્યાર સુધીમાં 46.25 કરોડ લોકોનું મહાકુંભમાં પવિત્ર સ્નાન
13 મી જાન્યુઆરીથી ચાલી રહેલા મહાકુંભમાં માનવ મહાસાગર ઉમટી જ રહ્યો છે. મહાકુંભ પૂર્વે 40 કરોડ ભાવિકો ઉમટવાનો અંદાજ હતો પરંતુ હજુ મહાકૂંભનાં સમાપનને 14 દિવસનો સમય બાકી છે ત્યાં જ શ્રધ્ધાળુઓની સંખ્યા 46 કરોડને પાર થઈ ગઈ છે.
મહાકુંભ વહિવટીતંત્રના દાવા પ્રમાણે અત્યાર સુધીમાં 46.25 કરોડ ભાવિકો સંગમમાં પવિત્ર ડુબકી લગાવી ચુકયા છે. પવિત્ર સ્નાન માટે 44 ઘાટ પર ભાવિકોનાં ઘોડાપુર છે.