મધ્યપ્રદેશના પન્નામાં ત્રણ દિવસ સુધી ચાલેલા હીરાના ઓક્શનમાં પાંચ કરોડથી વધુના હીરા વેચાયા છે. ઓક્શનના અંતિમ દિવસે પણ ખૂબ બોલી લાગી. અંતિમ દિવસે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર 32 કેરેટ 80 સેન્ટનો જેમ્સ ક્વોલિટીનો હીરો રહ્યો. આ હીરો સરકોહામાં સ્વામીદીન પાલ નામના મજૂરને મળ્યો હતો. આ હીરો 6 લાખ 76 હજાર રૂપિયા પ્રતિ કેરેટના હિસાબે 2 કરોડ 21 લાખ 72 હજાર 800 રૂપિયામાં વેચાયો. આ હીરાને પન્નાના હીરા વેપારી વીએસ એસોસિએટ્સના સતેન્દ્ર જડિયાએ ખરીદ્યો છે. આ હીરાની આટલી કિંમત મળવાથી સ્વામીદીનની ખુશીનું ઠેકાણુ રહ્યું નહીં.
હીરા અધિકારી રવિ પટેલે જણાવ્યું કે હીરાની હરાજીના અંતિમ દિવસે 22 ટ્રે ના માધ્યમથી 25 નંગ હીરા હરાજી માટે રાખવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આકર્ષણ રહેલા 32 કેરેટ 80 સેન્ટના હીરાની પણ હરાજી થઈ છે. ત્રણ દિવસ ચાલેલી હીરાની હરાજીમાં પન્ના સહિત સૂરત, ગુજરાત, રાજસ્થાન વગેરે સ્થળોથી વેપારી સામેલ થયા.