– રાષ્ટ્રપતિએ જાહેર કરી ઈમરજન્સી
અમેરિકામાં ફરી એક મોટી આફતની આગમન થયું છે. વાત જાણે એમ છે કે, અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય હાલ એક ખતરનાક વાવાઝોડાની લપેટમાં છે. વિગતો મુજબ બે અઠવાડિયાથી ચાલી રહેલા વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેલિફોર્નિયામાં સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, રાષ્ટ્રપતિ બિડેને રવિવારે ત્યાં ઈમરજન્સી જાહેર કરી છે.
- Advertisement -
મહત્વનું છે કે, અમેરિકાની નેશનલ વેધર સર્વિસ મુજબ સોમવારે પણ ભારે વરસાદની સંભાવના છે. તેનાથી કેલિફોર્નિયાની સમસ્યાઓમાં વધુ વધારો થશે. આ ભયાનક તોફાન માટે વાતાવરણીય નદી જવાબદાર હોવાનું કહેવાય છે. એક અહેવાલ અનુસાર કેલિફોર્નિયામાં છેલ્લા બે અઠવાડિયામાં 8 વાતાવરણીય નદીઓ ત્રાટકી છે. સેન્ટર ફોર વેસ્ટર્ન વેધર એન્ડ વોટર એક્સ્ટ્રીમ્સ અનુસાર કેલિફોર્નિયામાં આખા વર્ષમાં જેટલી વાતાવરણીય નદીઓ બને છે તે થોડા અઠવાડિયામાં બની હતી. આ નદીઓ ક્યાંક વરસાદના રૂપમાં વરસી રહી છે તો ક્યાંક બરફનું તોફાન લાવી રહી છે. અત્યારે વધુ બે વાતાવરણીય નદીઓ કેલિફોર્નિયામાં આવવાની ધારણા છે.
75 હજાર લોકોને સલામત સ્થળે જવા ચેતવણી
રાજ્યના 75 હજાર લોકોને સલામત સ્થળે પહોંચવાની ચેતવણી આપવામાં આવી છે. 20 હજારથી વધુ લોકો વીજળી વિના જીવવા મજબૂર છે. મહત્વનું છે કે, કેલિફોર્નિયામાં ઘણા હાઇવે, રસ્તા અને પુલ પાણીથી નાશ પામ્યા છે. ઘણા મકાનો કાં તો ક્ષતિગ્રસ્ત થયા છે અથવા તો પડી ગયા છે. કેલિફોર્નિયામાં ભારે વરસાદ, તોફાન અને પૂરના કારણે અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા ($30 બિલિયન)ના નુકસાનની આશંકા છે.
- Advertisement -
બિઝનેસ ઠપ થઈ ગયા
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર કેલિફોર્નિયામાં તોફાનના કારણે ઘણા બિઝનેસ ઠપ થઈ ગયા છે. આ નુકસાનનો આંકડો અંદાજિત છે. સ્થિતિ સામાન્ય થયા બાદ વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. અમેરિકામાં વૃક્ષોના શહેર તરીકે પણ ઓળખાતા સેક્રામેન્ટો શહેરમાં છેલ્લા 6 દિવસમાં લગભગ 1000 વૃક્ષો પડી ગયા છે. યુએસ ફોરેસ્ટ સર્વિસ અનુસાર તોફાનમાં પડી ગયેલા કેટલાક વૃક્ષો 80 થી 100 વર્ષ જૂના હતા. કેલિફોર્નિયાનો ઉત્તરીય ભાગ સૌથી પહેલા તોફાનનો ભોગ બન્યો હતો. ભૂસ્ખલન, પૂરના પાણી અને પડી ગયેલા વૃક્ષોએ અહીંના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે.
કેલિફોર્નિયાનું વાવાઝોડું ઈતિહાસનું સૌથી મોટું તોફાન
કેલિફોર્નિયાના ગવર્નર ઑફિસના ઇમરજન્સી સર્વિસિસના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, આ તોફાન રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટા તોફાનોમાંનું એક હતું. કેલિફોર્નિયાના આ પૂરે લોકોને 1861ના પૂરની યાદ અપાવી. તે પછી પણ ક્રિસમસ દરમિયાન જ પૂરે તબાહી મચાવી દીધી હતી. યુએસ જિયોલોજિકલ સર્વેના સંશોધક માઈકલ ડી. ડેટિંગરના રિપોર્ટ અનુસાર 1861નું પૂર 43 દિવસ સુધી ચાલુ રહ્યું હતું. તે સમયે કેલિફોર્નિયામાં પણ વાતાવરણીય નદીના કારણે આવી સ્થિતિ સર્જાઈ હતી.