‘હવે અમે પણ ગર્વથી કહી શકીશું કે અમે પણ ભારતના નાગરિક છીએ’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘હવે અમે પણ ગર્વથી કહી શકીશું કે અમે પણ ભારતના નાગરિક છીએ..’ પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા અને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરનારા 185 લોકોએ આજે કંઈક આવા જ શબ્દોમાં પોતાની લાગણીઓ અને વિચારો વ્યક્ત કર્યા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના નિર્દેશ, નિવાસી અધિક કલેક્ટર એ.કે.ગૌતમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં આજે 185 વિસ્થાપિતોને સરળતાથી ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અત્યાચારો અને વિવિધ હાડમારીઓના કારણોસર જન્મભૂમિ પાકિસ્તાન છોડ્યા પછી અને ભારતમાં આશરો મેળવ્યા પછી, વહીવટી તંત્રના સુચારુ આયોજનથી આટલી સરળતાથી નાગરિકતા પ્રમાણપત્ર મળી જશે તેવું અનેક લોકોને માન્યામાં નહોતું આવતું. તંત્ર દ્વારા અહીં આવનારા લોકો માટે નાસ્તા-ચાય-પાણી તેમજ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તંત્રની સમગ્ર કામગીરીથી થયેલી ખુશી આ નાગરિકોના ચહેરા પર ઝળકતી હતી.
ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો સહેલાઈથી મળતાં નાગરિકો ખુશખુશાલ
નાગરિકતાએ નવું જીવન મળ્યા સમાન છે – ચંપાબેન ખાંભલા
લાભાર્થી ચંપાબેન જણાવે છે કે, પાકિસ્તાનનું જેમ્સાબાદ મારું જન્મસ્થાન છે, હું 10 વર્ષની ઉંમરમાં પરિવાર સાથે પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને ભારત આવી હતી. હાલ, નાની બારડ ગામની રહેવાસી છું ભારતમાં આવ્યા બાદ અમારી આર્થિક સદ્ધર બન્યા અને ભારતનું નાગરિકત્વ મળ્યું એ નવું જીવન મળ્યા સમાન છે.
બાળકોનું ભવિષ્ય ઉજજવળ બનશે – લાભાર્થી પૂણીબેન
60 વર્ષીય પૂણીબેન છેલ્લા 12 વર્ષથી ભારતમાં વસે છે પરંતુ, ભારતીય નાગરિકત્વ મળેલ નહોતું. ત્યારે ભારતીય નાગરિકતા મળતા પૂણીબેને કહ્યું કે, હવે અમે પણ ભારતીય તરીકે ઓળખ ધરાવીશું. અમારા બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે જેનો અનેરો આનંદ છે.