ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજ્ય સરકારની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની સુરક્ષા હેતુ અવિરત કાર્યરત છે. રાજકોટના આવા જ એક કિસ્સામાં આત્મહત્યાનો પ્રયાસ કરતી યુવતીને અભયમ ટીમે બચાવી હતી. રાજકોટના એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇનને સંપર્ક સાધ્યો હતો. ટીમના કાઉન્સેલરશ્રી વૈશાલીબેન, કોન્સ્ટેબલશ્રી સેજલબેન અને ડ્રાઈવરશ્રી મયુર ભાઈ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે યુવતી ખુબ ગભરાયેલી હતી.
અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરતા જણાયું કે, યુવતી મૂળ મુંબઈની વતની છે અને રાજકોટના યુવક સાથે સગાઈ થઈ હતી. સગાઈ પાંચ મહિના પહેલા તૂટી જતાં યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. યુવતીએ રાજકોટ રેલ્વે સ્ટેશન પર જીવન સમાપ્ત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ, એક જાગૃત નાગરિકે 181 અભયમનો સંપર્ક કરીને યુવતીની મદદ માટે બોલાવ્યા હતા.
- Advertisement -
ટીમના કાઉન્સેલિંગ દરમ્યાન વધુમાં જણાયું કે, યુવતીનો યુવક સાથે ફોનમાં સંપર્ક તૂટી જતા, યુવકને મળવા રાજકોટ આવી પહોંચી હતી. પરંતુ, યુવક તેને મળવા માંગતો ન હતો. અને તેણીની સાથે લગ્ન પણ કરવા માંગતો ન હતો. આથી યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અભયમ ટીમ સમયસર પહોંચી જતા આ બનાવને અટકાવી શકી હતી 181 અભયમ ટીમે યુવતીને આત્મહત્યા એક ગંભીર ગુનો છે તે બાબતે માર્ગદર્શન આપીને જીવનના મુલ્યો વિશે સમજાવી જીવન જીવવાની નવી દિશા બતાવી હતી.