એક ગર્ભવતી અને અન્ય આપઘાતનો વિચાર કરતી પરિણીતાને અપાયું નવજીવન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અભયમ 181 હેલ્પલાઈન ટીમે તાજેતરમાં બે કિસ્સાઓમાં આશીર્વાદરૂપ ભૂમિકા ભજવી છે. એક કિસ્સામાં, જેતપુર તાલુકાની એક ગર્ભવતી મહિલાને તેના પતિના ત્રાસમાંથી મુક્તિ અપાવીને સિમંત પ્રસંગ ઉત્સાહપૂર્વક ઉજવી શકાયો હતો. જ્યારે બીજા કિસ્સામાં, પ્રેમીથી કંટાળીને આપઘાતનો વિચાર કરતી પરિણીતાને નવજીવન આપવામાં આવ્યું હતું.
પતિના ત્રાસથી પીડિત
ગર્ભવતીનું સફળ સમાધાન
ગત 25/07/2025 ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાંથી મહિલા હેલ્પલાઇનમાં એક ગર્ભવતી મહિલાનો કોલ આવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે તેઓ સાત મહિનાના ગર્ભવતી છે અને પતિ નાની-નાની બાબતોમાં ઝઘડા કરતા હોવાથી છેલ્લા પાંચ દિવસથી પિયર રિસામણે આવી ગયા હતા. સિમંત સંસ્કારનો પ્રસંગ નજીક હોવા છતાં પતિ સાથેના ઝઘડાને કારણે તેઓ દુ:ખી હતા. 181 ની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી પીડિતા અને તેમના પતિનું કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું, જેના પરિણામે મહિલાનો સિમંત પ્રસંગ ખુશીથી ઉજવી શકાયો.
પ્રેમીના ત્રાસથી આપઘાતનો વિચાર
કરતી પરિણીતાને બચાવાઈ
અન્ય એક કિસ્સામાં, એક પરિણીતાએ પોતાના પ્રેમીના ત્રાસથી કંટાળીને પતિને ફોન કરીને આત્મહત્યા કરવાનું જણાવ્યું હતું. પતિએ તુરંત 181 હેલ્પલાઈનનો સંપર્ક કર્યો અને ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી. ઘટના સ્થળે પહોંચીને 181 ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું. પીડિતાએ જણાવ્યું કે તેમના દસ વર્ષના લગ્નજીવન દરમિયાન તેમને એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેનાથી તેમને ત્રણ વર્ષની બાળકી છે. હવે પ્રેમી તે બાળકી પાછી લઈ જવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ પીડિતાને સ્વીકારવાની ના પાડી રહ્યો હતો.
પીડિતાએ જણાવ્યું કે તેમના પતિને બાળકી વિશે જાણ છે અને તેઓ બાળકી પોતાની ન હોવા છતાં તેને પિતા તરીકેનો પ્રેમ આપે છે. પીડિતાના પતિએ 181 ટીમને જણાવ્યું કે તેમની પત્ની સતત ડિપ્રેશનમાં રહે છે અને આત્મહત્યાના વિચારો વ્યક્ત કરે છે. 181 ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ કરીને તેમને યોગ્ય સલાહ, સૂચન અને માર્ગદર્શન આપ્યું. તેમને પતિ અને બાળકો પ્રત્યેની તેમની ફરજ વિશે સમજાવવામાં આવ્યા અને હિંમત સાથે જીવનમાં આગળ વધવા પ્રેરિત કરવામાં આવ્યા. પીડિતાને બાળકી માટે કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી કરવા માટે પણ સલાહ આપવામાં આવી. પીડિતાનો આત્મવિશ્વાસ વધતા તેમણે હવે કાયદાકીય કાર્યવાહી કરવાનું અને ભવિષ્યમાં આત્મહત્યાનો વિચાર ન કરવાનું નક્કી કર્યું છે. હવે તેઓ પતિ અને બાળકો સાથે પોતાનું જીવન વિતાવવા ઈચ્છે છે.