નગરપાલિકાની સામાન્ય સભામાં સાત પેઈજનો જવાબ રજૂ કરવા ઠરાવ
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર નગરપાલિકાની સોમવારે સામાન્ય સભા મળી હતી જેમાં પાલિકાના 27 પૈકીનાં 21 સભ્યો હાજર રહ્યા હતા જ્યારે 6 સભ્યો ગેરહાજર રહ્યા હતા. થોડા સમય પહેલા જ વાંકાનેર નગરપાલિકાને રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે જે નોટિસનો સાત પેઈજનો જવાબ આપવા સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે નોટિસનો જવાબ આપવા 18 સભ્યોએ સહમતી આપી હતી જયારે 3 સભ્યોએ અસહમતી દર્શાવી હતી.
- Advertisement -
મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને પાલિકાના અણધડ વહીવટને કારણે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને પાલિકાના જનરલ બોર્ડ સમક્ષ તુરંત નોટિસ રજુ કરી નોટિસ સંદર્ભે જે કાંઈ રજૂઆત કરવાની હોય તેનો લેખિત ખુલાસો સમયમર્યાદામાં જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે આપવા સૂચના આપવામાં આવી હતી જેથી સોમવારે વાંકાનેર પાલિકા પ્રમુખ જયશ્રીબેન સેજપાલ, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિહ જાડેજા અને ઈન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની હાજરીમાં સામાન્ય સભા મળી હતી જેમાં પાલિકાના 27 સભ્યોમાંથી 21 સભ્યો હાજર રહ્યા હતા જયારે 6 સભ્યો ગેરહાજર રહ્યા હતા.
આ સભામાં શહેરી વિકાસ વિભાગે આપેલી નોટીસનો સાત પેઈજમાં જવાબ રજૂ કરાશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો જે ઠરાવ અંગે 3 સભ્યો અસહમત હતા જયારે 18 સભ્યો સહમત થયા હતા.
વાંકાનેર નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી હતી પરંતુ પાલિકા પ્રમુખ તરીકે જે નામ પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તેનાથી અનેક સદસ્યો નારાજ હતા જેના પગલે ભાજપના જ ચુંટાયેલા સદસ્યએ અપક્ષ ઉમેદવારને પ્રમુખ તરીકે જાહેર કરી તેમના તરફેણમાં મતદાન કરતા ભાજપને બહુમતી મળવા છતાં પ્રમુખ પદેથી વંચિત રહેવું પડ્યું હતું જયારે વાંકાનેર ભાજપના આગેવાન જીતુ સોમાણીએ જીલ્લા ભાજપ સામે ખુલ્લેઆમ આવી અગાઉ સાંસદ મોહન કુંડારીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા સામે તેમની રાજકીય કારકિર્દી પતાવવા કારસો રચ્યો હોવાના સનસનીખેજ આક્ષેપ કર્યા હતા.