ત્રણ દિવસીય કાર્યક્રમમાં ધાર્મિક વિધિ, વરઘોડો અને ભક્તિ સંધ્યાનો સમાવેશ
ખાસ-ખબર ન્યૂઝ ઈં પાલિતાણા
પાલિતાણા ખાતે 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન અખિલ ભારતીય જૈન શ્વેતાંબંર સોશલ ગ્રુપ ફેડરેશનનું 15મું રાષ્ટ્રીય કોન્ફરન્સ ભવ્ય રીતે યોજાયું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલા આ અધિવેશનમાં વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સત્રમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જિનેશ્વર જૈનએ સભાને સંબોધિત કરી માર્ગદર્શન આપ્યું હતું. દીપ પ્રાગટ્ય મુખ્ય અતિથિ ડીપીન જૈન, દિનેશ ડોશી, અતુલ કાંકરિયા અને નરેશ લોઢા ના હસ્તે કરાયું હતું. અધિવેશન દરમિયાન “ગણધર” વિશેષ અંકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતર્ગત પાલીતાણા શહેરના મુખ્ય માર્ગ પર ભવ્ય વરઘોડાનું આયોજન કરાયું હતું. વરઘોડાની શરૂઆત જૈન ધર્મધ્વજ ફરકાવીને ગૌતમજી (જાલના) ના હસ્તે કરવામાં આવી હતી. આ સાથે ધ્વજારોહણ, સાંસ્કૃતિક સંધ્યા, એવોર્ડ વિતરણ સમારોહ અને ભક્તિ સંધ્યાએ પણ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી આગમન કરેલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક મંડળે વિશેષ આયોજન કર્યું હતું.