જીરુંની ખરીદી કરી, વેપારી બંધુ પેઢીને તાળાં મારી નાસી છૂટી
કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે બંનેને દબોચી લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં 145 જેટલા કમિશન એજન્ટો સાથે 17.19 કરોડની છેતરપિંડી કરનાર 2 વેપારી ભાઈઓ સામે કુવાડવા રોડ પોલીસમાં ગુનો નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. યાર્ડમાં જે. કે. ટ્રેડિંગ નામની કંપની ધરાવતા ઢોલરીયા બંધુ દ્વારા જીરૂની ખરીદી કર્યા બાદ તેના નાણા પરત આપ્યા ન હતા. બાદમાં દબાણ વધતાં આ બંને વેપારી ભાઈઓએ તમામ કમિશન એજન્ટોને ચેક આપ્યા હતા પરંતુ તે ચેક રિટર્ન થયા હતા. બાદમા બંને ભાઇઓ પેઢીને તાળું મારી નાસી છૂટયા હતા. જે ઘટનાને પગલે યાર્ડ બંધ રાખવામાં આવેલું હતુ.
- Advertisement -
રાજકોટના પેડક રોડ ઉપર શ્યામ પાર્કમાં રહેતા અને બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે ઓમકાર ટ્રેડીંગ કંપની નામે પેઢી ધરાવી ખેતપેદાશોની ચીજવસ્તુઓનો કમિશનથી વેપાર કરતા મનસુખભાઈ ખીમાભાઈ ડાકાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટીંગ યાર્ડ (બેડી) ખાતે ઓમકાર ટ્રેડીંગ કંપની નામે પેઢી ધરાવી ખેતપેદાશોની ચીજવસ્તુઓનુ કમિશનથી વેપાર-ધંધો કરૂ છું 2004થી પેઢી ધરાવી ખેતપેદાશોની ચીજવસ્તુઓનું કમિશનથી લે-વેચ કરી વેપાર-ધંધો કરૂ છું. જેમાં અમારે અલગ-અલગ જગ્યાએથી ખેડૂતો પોતાની ખેતીની ખેતપેદાશો વેચવા માટે રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આવતા હોય અને અમારે તે ખેડૂતો વતી અન્ય વેપારીઓને ખેતપેદાશોનું વેચાણ કરાવી આપવાનું કામકાજ કરવાનું હોય છે અને તે વેચાણ પેટે અમો અમારૂ કમિશન તથા મૂડી ખરીદનાર પાસેથી મેળવીએ છીએ અને કમિશન એજન્ટ તરીકે કામકાજ કરીએ છીએ બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે બીપીનભાઈ ઢોલરીયા તથા તેના ભાઈ નીતેશભાઇ ઢોલરીયા એમ બંનેને જે. કે. ટ્રેડિંગ નામે પેઢી છે. જે ખેતપેદાશોની ચીજવસ્તુઓનુ ખરીદ-વેચાણ કરે છે અને તેઓ રાજકોટ માર્કેટીંગ યાર્ડ (બેડી)માં આવેલ અલગ-અલગ પેઢીઓ પાસેથી ખેતપેદાશોની ચીજવસ્તુઓની ખરીદી કરી તેના ગ્રાહકોને વેચાણ કરે છે. બીપીનભાઇ ઢોલરીયા તથા નીતેશભાઇ ઢોલરીયા બંને પોતાની જે.કે.ટ્રેડિંગ પેઢીમાંથી અમારી તથા રાજકોટ માર્કેટીંગ યાર્ડ (બેડી) ખાતે આવેલ અલગ-અલગ પેઢીઓના વેપારીઓ પાસેથી ખેતપેદાશોની ચીજવસ્તુઓની ખરીદી કરતા હતા. જેમાં અમારા દ્વારા તા.5 એપ્રિલથી આજદિન સુધીમાં ઉપરોકત પેઢીને કુલ રૂ.1,18,68,097 મુજબની જીરૂના માલનુ વેચાણ કરેલ છે અમારા સિવાય રાજકોટ માર્કેટીંગ યાર્ડ (બેડી) ખાતે પેઢી ધરાવતા અલગ-અલગ વેપારીઓ દ્વારા પણ જે.કે. ટ્રેડિંગના માલિકો બીપીનભાઇ ઢોલરીયા તથા નીતેશભાઇ ઢોલરીયાને જીરૂના માલનું વેચાણ કરેલ છે, જે તમામ વેપારીઓ મળી જે. કે. ટ્રેડિંગને કુલ રૂ.17,19,50,059 જીરૂના માલનુ વેચાણ કરેલ છે. આ જીરૂના રૂપિયા અમને 5રત આપતા ન હોય જેથી અમો તમામ વેપારીઓએ તેઓને વાત કરતા બીપીનભાઈ ઢોલરીયા તથા તેના ભાઇ નીતેશભાઇ ઢોલરીયાએ તમામ વેપારીઓને તેની લેણી નીકળતી રકમના ચેક આપવામાં આવેલ હતા. જે ચેક વેપારીઓ દ્વારા બેંકમાં જમા કરાવતા ચેક રીર્ટન થયેલ છે અને આ બંનેને ફોન કરતા ફોન બંધ આવે છે તથા તેમની પેઢી બંધ કરી નાસી ગયેલ હોય તથા તમામ વેપારીઓએ જે.કે. ટ્રેડિંગના ઢોલરીયા બંધુ પાસેથી પેમેન્ટ લેવાનુ બાકી છે આમ છેતરપિંડી આચરી નાસી જતાં યાર્ડ પાંચ દિવસ સુધી બંધ પાડી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો દરમિયાન કુવાડવા રોડ પોલીસમાં ઠગાઇ અંગે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઠગ બેલડીને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



