સાયબર ફ્રોડમાં સૌથી વધુ ગુના છેતરપિંડીના નોંધાયા તો ATM-OTPના 95 કેસ
પુરાવાના અભાવે 457 આરોપીઓ પોલીસ પકડથી દૂર: સાઈબર ક્રાઈમને લગતી હજારો અરજી પેન્ડિંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાઈબર ફ્રોડની સમસ્યાથી સૌ કોઈ ચિંતિત છે ત્યારે આ અંગેની એક ચોકાવનારી વિગત સામે આવી છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા મુજબ ગુજરાતમાં એક જ વર્ષમાં સાઇબર ક્રાઈમના 1417 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. રાજ્યમાં અપુરતા પૂરાવાને પગલે સાઇબર ક્રાઈમના 457 કેસમાં આરોપીઓને પકડી શકાયા નહી કે તેઓ મળ્યા નથી. આ ઉપરાંત ઓનલાઈન બેકિંગ, એટીએમ અને ઓટીપી ફ્રોડના કુલ 95 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જોકે, સાઇબર ક્રાઈમના ગુનામાં ઘટાડો જોવા પાછળ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતી હોવાનું કારણ જોવા મળ્યું છે. રાજ્યમાં સાઇબર ક્રાઈમને લગતી હજારો અરજી પેન્ડિંગ પડી રહી છે. સમગ્ર દેશમાં સાઇબર ક્રાઈમના 65893 ગુના 2022ની સાલમાં દાખલ થયા છે, બીજી તરફ અપૂરતા પૂરાવાને કારણે સમગ્ર દેશમાં 40614 કેસના આરોપીઓને ઝડપી શકાયા નથી. ગુજરાતમાં આવા 457 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે જેના આરોપીને અપૂરતા પૂરાવાને કારણે પકડી શકાયા નથી. પોલીસે 2021ના વર્ષના 83 પેન્ડિંગ કેસોમાં તેમજ 2022માં 706 કેસમાં ચાર્જશીટ કરી છે. આમ, 2022માં કુલ 789 કેસોમાં ચાર્જશીટ કરાઈ છે. રાજ્યમાં સાઇબર ક્રાઈમના 2022ના વર્ષના અંત સુધીમાં 922 કેસોની તપાસ પેન્ડિંગ હોવાનું તેમજ 1255 કેસોનો પોલીસે નિકાલ કર્યાની વિગતો છે. આ ઉપરાંત શારીરિક શોષણના હેતુથી આચરવામાં 168 ગુના તેમજ સાઇબર સ્ટોકિંગના 48 તેમજ સાયબર ફ્રોડના 683 ગુનાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે સાઈબર ફ્રોડના કેસોમાં વધારો થઈ રહ્યો છે.