આઇઆઇટી મંડી અને ગેસ ગ્લોબલ રિસર્ચના અભ્યાસમાં 13896 વિદ્યાર્થીઓનાં મંતવ્યો લેવાયાં જેમાં 14 ટકા વિદ્યાર્થીઓ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે
ભારતીય યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હવે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે આગળ આવી રહ્યાં છે. આઇઆઇટી મંડી અને ગેસ ગ્લોબલ રિસર્ચના અભ્યાસમાં એક મહત્વની વાત સામે આવી છે કે 14 ટકા ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજયુએશન પૂર્ણ કર્યા પછી ઉદ્યોગસાહસિક બનવા માંગે છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 15.7 ટકા વિદ્યાર્થીઓ ઉદ્યોગસાહસિક બનવા માંગે છે.
- Advertisement -
આનાથી સ્પષ્ટ થાય છે કે, ભારતમાં યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવામાં ખૂબ જ રસ દાખવી રહ્યાં છે અને તેનાં માટે જોખમ લેવાથી ડરતાં નથી. આ અભ્યાસમાં, દેશભરની યુનિવર્સિટીઓના 13896 વિદ્યાર્થીઓનાં અભિપ્રાયો લેવામાં આવ્યાં હતાં, જેમાંથી 14 ટકા વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગસાહસિક બનવા ઇચ્છતાં હતાં.
કેન્દ્ર સરકારે પણ સ્ટાર્ટઅપને લઈને ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેનો લાભ યુવાનોને પણ મળી રહ્યો છે. આ અભ્યાસનું નેતૃત્વ કરનાર આઈઆઈટી મંડીના સ્કૂલ ઓફ મેનેજમેન્ટના એસોસિયેટ પ્રોફેસર અને ગેસ ઈન્ડિયાના કન્ટ્રી ડેલિગેટ ડો. પુરણ સિંહે કહ્યું કે આપણે પહેલાથી જ વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છીએ અને ભારતમાં પણ વિશ્વમાં સૌથી વધુ યુવા વસ્તી છે. ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં દેશ-વિદેશમાં મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર છે અને હવે ભારતમાં પણ સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ નવી ઊંચાઈએ પહોંચી રહી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, લગભગ 69 ટકા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી રોજગાર શોધે છે અને પાંચ વર્ષમાં આ આંકડો ઘટીને 52.2 ટકા થઈ જાય છે અને આ સમયગાળા દરમિયાન 31 ટકા વિદ્યાર્થીઓ ઉદ્યોગસાહસિક બનવાનો પ્રયાસ કરે છે જ્યારે સ્નાતક પૂર્ણ કર્યા પછી, 14 ટકા વિદ્યાર્થીઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે.
- Advertisement -
વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય ઇન્ટર્નશીપ પ્લેટફોર્મ તૈયાર
કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ અંગે ઘણાં મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી કંપનીઓમાં અનુભવ મેળવવા માટે એક પ્લેટફોર્મ પણ બનાવવામાં પણ આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સિંગાપોરની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે શૈક્ષણિક ભાગીદારી અને ઈન્ટર્નશિપ પ્રોગ્રામ અંગે પણ સમજૂતી થઈ હતી. પ્રધાને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગ અને શિક્ષણ પ્રધાન ચાન ચુન સિંગ સાથે મુલાકાત કરી હતી.
ભારતની શિક્ષણ પ્રણાલીના આંતરરાષ્ટ્રીયકરણને વધુ સરળ બનાવવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની ભલામણો અનુસાર પગલાં લેવામાં આવી રહ્યાં છે. બંને દેશોનાં શિક્ષણ પ્રધાનોએ વિદેશી ઇન્ટર્નશિપ કાર્યક્રમો માટે માર્ગો શોધવા સંમત થયાં છે.