શિયાળબેટના જૂથ અથડામણ બાદ હોસ્પિટલમાં ધોકા-પાઈપ વડે હુમલો,CCTV ફૂટેજના આધારે કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
રાજુલા સિવિલ હોસ્પિટલમાં ધોકા-પાઇપ વડે ધમાલ મચાવનારા 14 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદાનો ડર દર્શાવ્યો છે. આ ઘટના ગત 21 જુલાઈના રોજ જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે બપોરના સુમારે બનેલી બે જૂથ વચ્ચેની મારામારીના પગલે બની હતી. શિયાળબેટમાં રિક્ષાના ભાડા બાબતે થયેલા ઝઘડામાં મારામારી થતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેને પગલે તેમને સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ પછી બીજા જૂથના આશરે 15 જેટલા શખ્સો ધોકા-પાઇપ લઈને રાજુલા સિવિલ હોસ્પિટલમાં ધસી આવ્યા હતા અને હોસ્પિટલમાં ધમાલ મચાવી હતી. આ શખ્સોએ વકીલ સહિત છ જેટલા લોકો પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અમરેલી એસપી સંજય ખરાત તથા સાવરકુંડલા ડિવિઝનના એ.એસ.પી વલય વૈધના માર્ગદર્શન હેઠળ, પીઆઇ અને પીએસઆઇ સહિતના પોલીસ કાફલાએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ આરોપીઓનું ડિસ્કવરી પંચનામું કર્યું હતું. ગણતરીના કલાકોમાં જ પોલીસે હોસ્પિટલમાં ધમાલ મચાવનારા 14 આરોપીઓને ઝડપી લીધા હતા.
આ આરોપીઓ વિરુદ્ધ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન, જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન અને રાજુલા પોલીસ સ્ટેશનમાં કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને વિવિધ બી.એન.એસ. કલમ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. હાલ પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.


