બે સ્થળે રેડ કરી 6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ/રેતી ખનન કરતાં તત્વો સામે સખત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે. જેને પગલે ડીસા મામલતદાર કચેરી અને ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું પાલનપુર દ્વારા કરવામાં આવેલી બે અલગ અલગ રેડમાં હિટાચી મશીન, ટ્રક, ડમ્પર, રેતીનો જથ્થો સહિત અંદાજે છ કરોડ કરતાં વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. તેમજ ગેરકાયદે રેતી ખનન કરતાં ઈસમો અને વાહન માલીકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
ડીસાની બનાસ નદીના પટ વિસ્તારમાં બિન અધિકૃત રીતે ગેરકાયદેસર સાદી રેતીની ચોરી થવા બાબતની ફરીયાદ ડીસા મામલતદાર કચેરીને મળી હતી. જે અનુસંધાને ટીમ સાથે સ્થળ તપાસ કરતા ડીસાના વડાવળના નદીના પટ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન કરતાં હોવાનું માલુમ પડતાં બે હિટાચી મશીન અને સાદી રેતી ભરેલ બે ટ્રકો જપ્ત કરવામાં આવ્યા છે. જેમની પાસેથી રોયલ્ટી બાબતે પાવતીઓની માંગણી કરતા કોઇ પાવતી રજુ કરેલ નહિ જેથી મામલતદાર ડીસા (ગ્રામ્ય) દ્વારા હિટાચી મશીન અને ટ્રક જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે ખાન ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી દ્વારા ડીસાના રાણપુર ખાતે બનાસ નદી પટ્ટ વિસ્તારમાંથી બિનઅધિકૃત રીતે સાદી રેતી ચોરીની ફરિયાદના આધારે ખાનગી વાહનમાં આકસ્મિક રીતે તપાસ હાથ ધરતા કુલ 12 ડમ્પર અને પાંચ હિટાચી મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
આજે ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર ડીસા દ્વારા આકસ્મિક તપાસ કરતા 6 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ખનીજચોરી ઝડપાઈ છે. છેલ્લા કેટલાય સમયથી તંત્રને બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખનનની ફરિયાદો મળતી હતી. જે મામલે કલેકટર ની સૂચના બાદ તંત્ર એક્શનમાં આવતા ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા માફીયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.