પોતાની માગણીઓ સાથે 10 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં, અત્યાર સુધીમાં 10 હજારથી વધુને નોટિસ ફટકારી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્યકર્મચારીઓ અડગ રહ્યા છે. બીજી તરફ, સરકારે 1100 આંદોલનકારી કર્મચારીને નોકરીમાંથી છૂટા કર્યા છે, સાથે જ 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે. પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓ છેલ્લા 10 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે પડતર માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. અત્યારસુધીમાં 10 હજારથી વધુ કર્મચારીને નોટિસ ફટકારી છે. સાબરકાંઠા જિલ્લામાં 400 જેટલા કર્મચારીને છૂટા કરવાની નોટિસ અપાઈ છે. કર્મચારી સંઘના મહામંત્રી આશિષ બારોટને પણ સાબરકાંઠામાંથી છૂટા કરવાનો આદેશ અપાયો છે. આંદોલનકારી કર્મચારીઓએ મંગળવારે રાત્રે કેન્ડલ માર્ચ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘના અગ્રણીઓએ સરકારના પગલાને ગેરવાજબી ગણાવ્યું છે. તેમણે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ટેક્નિકલ કેડરમાં સમાવેશ, ખાતાકીય પરીક્ષા રદ કરવી સહિતના મુદ્દા સાથે આરોગ્યકર્મીઓ છેલ્લા 10 દિવસથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે હજારોની સંખ્યામાં આરોગ્યકર્મચારીઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કેન્ડલ માર્ચ યોજી અનોખો વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સરકાર જ્યાં સુધી જીઆર ઠરાવ નહિ કરે ત્યાં સુધી આંદોલન યથાવત્ત રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.
હજુ સુધી રાજ્ય સરકારે કોઈ હકારાત્મક જવાબ આપ્યો નથી
રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળનો નવમો દિવસ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેક્નિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવાની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા નવ દિવસથી હડતાળ પર ઉતરેલા ગાંધીનગર જિલ્લાના 284 આરોગ્ય કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકારી છે, જ્યારે સીસીસીની પરીક્ષા નિયત સમયમાં પાસ નહીં કરેલા અને હડતાળમાં જોડાયેલા 8 કર્મચારીને ફરજમાંથી છૂટા કરાયા છે. હડતાળ પરના 276 કર્મચારીને ચાર્જશીટ આપવામાં આવી છે.