જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાના આયોજન માટે તંત્રનો આખરી ઓપ
CRP ટ્રેનિંગ સાથે સ્ટાફ સજ્જ, 10 સ્ટ્રેચરની ઇમરજન્સી વ્યવસ્થા પોલીસ, વનતંત્ર, આયોગ્ય વિભાગ, PGVCL અને મનપાની તૈયારીઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
આગામી તા. 2 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકોની સુરક્ષા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ખાસ કરીને શુદ્ધ પીવાનું પાણી, ઇમરજન્સીમાં સારવાર અને સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પરિક્રમા યોજવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે છેલ્લા એક-દોઢ મહિનાથી ટીમ વર્ક દ્વારા રૂટ મરામત, પાણી અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપીને તૈયારીઓ કરવામાં આવી છે. આ વખતે પ્રથમ વખત, યાત્રિકોની સુરક્ષા અને ઇમર્જન્સીમાં તાત્કાલિક સહાય મળી રહે તે હેતુથી પોલીસ અને ફોરેસ્ટની રાવટીઓમાં પોલીસ, ફોરેસ્ટ, હેલ્થ, પાણી પુરવઠા અને પીજીવીસીએલના કર્મચારીઓનું સંકલિત આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા સંબંધિત વિભાગોના ડ્યુટી લિસ્ટની ઓનલાઇન એન્ટ્રી કરીને સંકલન જાળવવામાં આવશે. ધાર્મિક આસ્થાના પ્રતિક સમી ગિરનારની 36 કિલોમીટર લાંબી, કઠિન અને ચઢાણવાળી લીલી પરિક્રમામાં ભાવિકોને આરોગ્યની વિશેષ સંભાળ મળી રહે તે માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પરિક્રમાના રૂટ પર કુલ 11 જેટલા હંગામી દવાખાના શરૂ કરવામાં આવનાર છે. આ કામચલાઉ દવાખાના ઝીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી ઉપર, નળપાણીની ઘોડી, શ્રવણની કાવડ વિસ્તાર, સરકડિયા, બોરદેવી વિસ્તાર, ભવનાથ, જૈન દેરાસર અને અંબાજીની ટૂંક જેવા અગત્યના સ્થળો પર કાર્યરત રહેશે. દરેક સ્થળે ડોક્ટર, ફાર્માસિસ્ટ, પેરા મેડિકલ સ્ટાફ, જીવન રક્ષક દવાઓ, હાર્ટ એટેકને લગતી દવાઓ, ઓક્સિજન અને પ્રાથમિક સારવારની સાધન-સામગ્રી સાથે મેડિકલ ટીમ તૈનાત રહેશે. આ ઉપરાંત, પોલીસની રાવટીઓ ખાતે જરૂરિયાત મુજબ 40 જેટલી વધારાની ટીમોને પણ ઈમરજન્સી તાત્કાલિક સારવારની તાલીમ સાથે તૈયાર રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને વૃદ્ધ યાત્રિકોની સંભાળ લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પરિક્રમાના તમામ પોઈન્ટ ખાતેથી પસાર થનાર વૃદ્ધ વ્યક્તિઓના બ્લડ પ્રેશર અને ઓક્સિજન સ્તરની તપાસ કરીને હૃદયની તકલીફવાળા વ્યક્તિઓને અલગ તારવવાની કામગીરી કરાશે. દરેક કામચલાઉ દવાખાના ખાતે 2 સ્ટ્રેચરની વ્યવસ્થા ઉપરાંત વધુ ચઢાણવાળા વિસ્તારો માટે વધારાના 10 સ્ટ્રેચર તૈયાર રખાયા છે. એમ્બ્યુલન્સ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 6 એમ્બ્યુલન્સ (ઝીણાબાવાની મઢી, બોરદેવી, શ્રવણની કાવડ વિસ્તાર, ભવનાથ, સરકડિયા-માળવેલા નજીક) તેમજ ઈમરજન્સી માટે વધારાની 3 એમ્બ્યુલન્સ (ઝીણા બાવાની મઢી, શ્રવણની કાવડ, બોરદેવી) ખાતે તૈનાત રહેશે. આ ઉપરાંત, વિવિધ સ્થળોએ 7 જેટલી 108 એમ્બ્યુલન્સ અને બે મોબાઈલ હેલ્થ યુનિટની વાન પણ ઉપલબ્ધ રહેશે, આમ કુલ 16થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત કરાઈ છે. જૂનાગઢ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ભવનાથ ખાતે આવેલી નાકોડા હોસ્પિટલમાં કામચલાઉ ઈંઈઞ પણ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. પરિક્રમામાં કુલ 18 મેડિકલ ઓફિસર, 12 ફાર્માસિસ્ટ, 73 પેરા મેડિકલ સ્ટાફ સહિત કુલ 127 કર્મચારીઓ ફરજ બજાવશે, જેમને સી.પી.આર. અને ઈમરજન્સી સારવારની વિશેષ તાલીમ આપવામાં આવી છે.



