દ્વારકામાં વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ
સાધુ સમાજના 8 યુગલોએ સોમવારે લગ્નગ્રંથીથી જોડાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
દેવભૂમિ દ્વારકામાં વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા આયોજિત સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 25મા સમૂહલગ્નોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવના આ પાવન પ્રસંગે સોમવારે સાધુ સમાજના 8 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જ્યારે આજે 10 ફેબ્રુઆરી 2026ના રોજ સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 108 યુગલ દ્વારકા-નાગેશ્વર રોડ પર આવેલ વિરમભા આશાભા માણેક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નંદિ શાળા-ગૌશાળા ખાતે લગ્નગ્રંથીથી જોડાશે. આ સમૂહલગ્નોત્સવના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિરમભા આશાભા માણેક રહ્યા છે. સમૂહલગ્નના મુખ્ય યજમાન તરીકે ઓખાપોર્ટના માંડણભા વિરમભા માણેક જવાબદારી નિભાવી રહ્યા છે, જ્યારે આયોજક તરીકે ઓલ ઇન્ડિયા ક્ષત્રિય વાઘેર સમાજના પ્રમુખ તથા દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા વિરમભા માણેક સમગ્ર આયોજનની આગેવાની સંભાળી રહ્યા છે.
સમૂહલગ્ન પ્રસંગે નવદંપતિઓને આશીર્વાદ આપવા દ્વારકાના વિવિધ ધાર્મિક આશ્રમો અને મઠોના મહંતો, સ્વામીઓ તથા સંતો ઉપસ્થિત રહ્યા છે. જેમાં દ્વારકા શારદામઠના નારાયણનંદ મહારાજ, દયારામબાપા આશ્રમના મહંત દયારામબાપુ, ભારત સેવા આશ્રમ સંઘના સ્વામી શ્યામાનંદ મહારાજ, સ્વામિનારાયણ ભક્તિધામના સ્વામી ચંદ્રપ્રસાદદાસ, મંગલ આશ્રમના જીવણનાથ બાપુ અને કરણનાથ બાપુ સહિત અનેક સંતો-મહંતોએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ ભવ્ય સમૂહલગ્નોત્સવ દ્વારા સામાજિક એકતા, પરંપરા અને સહકારની ભાવના મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દર વર્ષે યોજાતા આ સમૂહલગ્ન કાર્યક્રમથી સમાજના અનેક પરિવારોને આર્થિક સહાય તથા સામૂહિક ઉજવણીનો લાભ મળતો રહ્યો છે.



