એરપોર્ટ પર હજારો લોકો અટવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 106 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અફરા તફરી મચી ગઈ છે. તેમાં પણ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યા હતા. ઇન્ડિગો ઇમર્જન્સીને કારણે કોઈએ હનીમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા છે તો કોઈ વર-વધૂ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યા નથી. એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટ્સ ધડાધડ રદ થઈ રહી છે, તેવામાં એર ઇન્ડિયાના ભાડામાં ચાર ગણો વધારો થયો છે. મજબુરીમાં હવે મુસાફરોનેે બસ-ટ્રેનમાં મુસાફરી કરવી પડશે. વડોદરાથી મુંબઈ, દિલ્હી, પુણે અને ગોવા જતી ઈન્ડિગોની નવ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ગઈકાલે પણ 2 ફ્લાઇટ રદ કરાઈ હતી અને 2 ફ્લાઇટ મોડી પડી હતી. ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાઈ ગયા છે. બીજી તરફ વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે એર ઇન્ડિયા આજે અને કાલે દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની બે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. વડોદરા એરપોર્ટ પર પહોંચેલા મુસાફરે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, કંપનીએ હાથ ઊંચા કરી દીધા છે. કંપનીની પોલિસી ફક્ત પ્રોફિટ છે, પેસેન્જર તમારા માટે કોઈ મહત્વના નથી. તમારે જ પ્રોફિટ કમાવો છે, પેસેન્જર બિચારા ઝાડ ઉપરથી તોડીને પૈસા લાવે છે. અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોની ફ્લાઈટ ડીલે અથવા કેન્સલ થતા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. રોષે ભરાયેલા મુસાફરોએ ઇન્ડિગો ચોર હૈ અને ઇન્ડિગો મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આજની ફ્લાઇટ હતી તેવા ઘણાં લોકોને આવતીકાલ માટે રિ-શિડ્યુલ કરીને ટિકિટ આપવામાં આવી રહી છે. કોઈ પોતાની મિટિંગ પોસ્ટપોન્ડ કરી રહ્યું છે, તો કોઈનું ઇન્ટરવ્યુ કેન્સલ થઈ રહ્યું છે. અહીં એવા પણ મુસાફર છે જે પોતાના લગ્નના રિસેપ્શનમાં પણ સમયસર પહોંચી શક્યાં નથી.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ
રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ 12 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે, પરંતુ ઈન્ડિગો એર લાઇન્સની છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઈટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ છે. આજે પણ રાજકોટ એરપોર્ટથી ઉડાન ભરતી ઈન્ડિગોની આઠ ફ્લાઈટ રદ થઈ છે. હાલ એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની 1 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. રાજકોટ એરપોર્ટ પરથી 8.05 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. આ ઉપરાંત 9.00 વાગ્યાની મુંબઈ, 12.05 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગલુરુ, 4.55 વાગ્યાની મુંબઈ, 5.55 વાગ્યાની દિલ્હી, 7.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઈ છે. ઈન્ડિગોની મોટા ભાગની ફ્લાઈટ છેલ્લા બે દિવસથી કેન્સલ અથવા તો મોડી પડતાં મુસાફરો ભારે પરેશાન થઈ ગયા છે.
- Advertisement -
મુસાફરોને અગાઉથી જાણ કરાત તો એરપોર્ટ સુધીનો ધક્કો બચે!
રાજકોટથી 36 કિમી દૂર આવેલા એરપોર્ટ પર જ્યારે મુસાફરો પહોંચે તો ખ્યાલ આવે છે કે આજે તો ફ્લાઈટ કેન્સલ છે, જેને કારણે તેમનો સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે, જોકે હવે મુસાફરોને થોડા સમય પહેલાં ફ્લાઇટ કેન્સલ થયાની એડવાન્સમાં જાણ કરવામાં આવતાં એરપોર્ટ સુધીનો ધક્કો તો બચે છે, પરંતુ મેડિકલ ઈમર્જન્સી સહિતના કેસમાં રાજકોટથી અન્ય રાજ્યમાં અથવા તો કનેક્ટિંગ ફ્લાઈટમાં વિદેશ જવા માગતા દર્દીઓ સહિતના મુસાફરોને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાઈટ કેન્સલ થતાં હવે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જવા માટે મુસાફરો ટ્રેનનો સહારો લઈ રહ્યા છે.



