વાઈરલ ફીવરને પગલે શાળાઓમાં ફરી ફોગિંગ શરૂ
કોરોનાની લહેરમાંથી આંશિક રાહત મળી છે પરંતુ હજુ પણ કેસ આવી રહ્યા છે ત્યારે શાળાઓમાં બીમારીની લહેર ફરી વળતા વાલીઓ અને શાળા સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. શહેરની 25થી વધુ શાળાઓમાં વાતાવરણની ખરાબ અસરને કારણે ઘણા બધા બાળકો વાઈરલ ઇન્ફેક્શનનો શિકાર બની રહ્યા છે. શાળા સંચાલકોએ કહ્યું કે, એવરેજ 10% બાળકો નાની-મોટી બીમારીને કારણે દરરોજ ગેરહાજર રહે છે. દર 1000માંથી 100 બાળકમાં સામાન્યથી ભારે તાવ, શરદી, ઉધરસ, કળતર સહિતની નાની-મોટી બીમારીઓ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી બાળકોમાં વાઇરલ ઇન્ફેક્શન વધી જતા કેટલીક શાળાઓએ ફરી ફોગિંગ શરૂ કર્યું છે, કેટલીક શાળાઓ નિયમિત રીતે શાળા શરૂ થયા પહેલા ક્લાસરૂમ, કેમ્પસમાં ગૂગળ અને લીમડાનો ધૂપ પણ કરે છે. આ ઉપરાંત શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ગાઈડલાઈન પણ જાહેર કરી છે જેમાં બાળકોને પાણીથી લઈને નાસ્તો, જમવાનું, કપડાં સહિતની બાબતો અંગે કાળજી રાખવા જણાવાયું છે.
- Advertisement -
બાળક બીમાર હોય તો શાળાએ નહીં મોકલવા સૂચના
-બાળકને વોટરબેગમાં ઉકાળેલું પાણી જ મોકલવું.
-વાલીએ ઘરમાં પણ ગૂગળ-લીમડાનો ધૂપ કરવો જોઈએ.
-બાળકને નાસ્તામાં હળવો ખોરાક મોકલવો, હેવી નાસ્તો ટાળવો.
-વિદ્યાર્થીને શરદી-ઉધરસ હોય તો શાળાએ માસ્ક પહેરીને આવવું.
-બાળકને તાવ, નબળાઈ આવતા હોય તો વાલી સ્કૂલે ન મોકલે.
-સ્ટ્રીટ ફૂડ કે બહારનું હેવી ફૂડ આરોગવાનું ટાળવું જોઈએ.
-રોગપ્રતિકારક શક્તિ વધારવા ફળોનો ઉપયોગ કરો.
-દિવસનું એક સફરજન તમને યકૃતમાં હાજર ઝેરી તત્ત્વોને સાફ કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.
-અતિશય ખાવું નહીં, થોડા થોડા કલાકોના અંતરે ભોજન લેવું.
-ઘરમાં મચ્છરોથી બચો, પાણીનો ભરાવો ન થવા દો.
-વરસાદમાં પલળવાનું ટાળો.