12 વર્ષે જંત્રી 100% વધી અને ગાળામાં આવક 207 ટકા વધી!: સ્ટેમ્પ ડયૂટી ઘટાડી પ્રજાને રાહત આપવાનું પગલું ભરાતું નથી
ગુજરાત સરકારની સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણીની આવકમાં જબ્બર વધારો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારની સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણીની આવકમાં જબ્બર વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ આવક લગભગ બમણી થઈ ગઈ છે. એકમાત્ર કોરોનાના વર્ષ બે વર્ષ 2019-20 અને 2020-21માં આવકમાં થોડો ફટકો પડયો છે, પરંતુ એ પછી તો તોતિંગ આવકથી સરકારની તિજોરી છલકાઈ રહી છે. ફેબ્રુઆરી-2023થી જંત્રીમાં 100 ટકાનો વધારો કરી તેનું અમલીકરણ એપ્રિલ-2023થી શરૂ કરાયું, એ બે મહિનામાં જ જૂની જંત્રીની અસ્ક્યામતોના સોદા થયા એને કારણે જંત્રીની આવકમાં એક વર્ષમાં 2022-23માં રૂ.3800 કરોડનો માતબર વધારો થયો છે. વર્ષ 2019-20માં રૂ.7701 કરોડની જે આવક હતી, તે 2023-24ના અંતે 95 ટકા વધીને રૂ.15 હજાર કરોડ ઉપર પહોંચવાનો સુધારેલો અંદાજ છે. આવકમાં આટલો જંગી વધારો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર સ્ટેમ્પ ડયૂટી ઘટાડી રાહત આપતી નથી તે કમનસીબ છે. રાજ્ય સરકાર એવું કહે છે કે, જંત્રીના દરમાં 12 વર્ષ પછી 100 ટકાનો વધારો થયો છે. અલબત્ત એય ધ્યાને લેવાવું જોઈએ કે, આ સમયગાળામાં સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફીની આવકમાં ખૂબ મોટો વધારો થયો છે. વર્ષ 2011-12માં સ્ટેમ્પ ડયૂટી તથા નોંધણી ફીની આવક માત્ર રૂ.4670 કરોડ હતી, તે 2022-23ના અંતે રૂ.14,348 કરોડ પહોંચી હતી, જે 207 ટકાનો તોતિંગ વધારો દર્શાવે છે.