-દરરોજ એક-બે કિલોમીટરની વાહનોની લાઈન સર્જાય છે
-વાહન ચાલકોનાં અમૂલ્ય સમય સાથે મોંઘા ઈંધણનો વ્યય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની માધાપર ચોકડીથી જામનગર તરફ જવાના, રીંગ રોડ તરફ જવાના, રાજકોટ બાજુ હોસ્પિટલ ચોક જવાના અને મોરબી રોડ તરફ જવાના ચારેય રસ્તા ઉપર ટ્રાફિકજામની સમસ્યા ત્યાંથી પસાર થનારાઓના માથાનો દુ:ખાવો બની ગઈ છે. માધાપર ચોકડી સાથે જોડાયેલા દરેક રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો હવે સામાન્ય બની ગયા છે. આ રસ્તાઓ પર દરરોજ એકથી બે કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ જોવા મળે છે જેમાં વાહનચાલકોને નાનું અમથું અંતર કાપતા પણ અડધાથી એક કલાક જેટલો સમય લાગે છે.
માધાપર ચોકડીએ ટ્રાફિક જામનું સૌથી મોટું કારણ ગેરકાયદે દબાણ અને રાજકોટ-જામનગરનાં પ્રાઈવેટ પેસેન્જર વાહનોનાં ખડકલાં
- Advertisement -
ટ્રાફિક પોલીસને વાહનચાલકોની હાલાકી દુર કરવામાં નહીં… માત્ર ઉઘરાણાં કરવામાં જ રસ છે…
ટ્રાફિક DCP પૂજા યાદવ વધુ સક્રિય થઈને સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી
ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના કારણે અવારનવાર માધાપર ચોકડી અને તેની સાથે જોડાયેલા રસ્તાઓ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. માધાપર ચોકડીએ ટ્રાફિક પોલીસ માત્ર હપ્તા ઉઘરાવવા અને વાહનચાલકોને દંડ કરવામાં જ મસ્ત હોય છે તેમને ટ્રાફિકજામ ઉકેલવામાં જરીકે રસ હોતો નથી. પરિણામે કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા વાહનચાલકોના અમૂલ્ય સમય સાથે કિંમતી ઈંધણનો વ્યય થાય છે અને ક્યારેક તો ગંભીર અકસ્માત પણ સર્જાય છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રાફિકજામ સમસ્યાનો અંત આણવો જરૂરી છે.
માધાપર ચોકડીએ ગેરકાયદે દબાણ પણ ટ્રાફિક સમસ્યાનું એક કારણ
છેલ્લા કેટલાય મહિનાથી માધાપર ચોકડી ખાતે ટી સ્ક્વેર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. આ બ્રિજના નિર્માણ કાર્યમાં કાચબા ગતી જોવા મળી રહી છે. માધાપર ચોકડી આસપાસની 1 હજારથી ર હજાર ચો.મી. જગ્યાઓ ઉપર બેફામ દબાણો થયા છે, રેસ્ટોરન્ટ, ચાની લારીઓ-ઈકો અને કારવાળાઓ તેમજ ખાનગી ટ્રાવેલ્સના દબાણો ઉભા થઈ ગયાનું બહાર આવ્યું છે, આ કારણોસર પણ અહીં ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય રહી છે.
ટ્રાફિક DCP પૂજા યાદવે ટ્રાફિક પોલીસ જવાનોના ક્લાસ લેવા જરૂરી
રાજકોટ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની નિમણૂંક કરાયા બાદ તેમણે માધાપર ચોકડીએ ટ્રાફિકજામની સમસ્યાનો અંત લાવવા વિવિધ ડાઈવર્ઝન શરૂ કરાવ્યા હતા પરંતુ ડાઈવર્ઝન એ ટ્રાફિકજામની સમસ્યાનો ઉકેલ નથી. માથાનો દુ:ખાવો બની ગયેલા માધાપર ચોકડીમાં ટ્રાફિકજામનો નિવેડો લાવવા માટે ડીસીપી પૂજા યાદવે ખુદ ગ્રાઉન્ડ પર ઉતરવું પડશે અને ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી પૂર્ણ જવાબદારી સાથે કરે તે જોવું પડશે. માધાપર ચોકડીએ ટ્રાફિક પોલીસના જવાનોને ટ્રાફિકજામ ઉકેલવા સિવાયના તમામ કામમાં ધ્યાન હોય છે. આ માટે પૂજા યાદવે પોતાના સ્ટાફના ક્લાસ લેવા પણ જરૂરી છે.
હોસ્પિટલ બ્રિજ શરૂ થયો પણ ‘હતા ત્યાંના ત્યાં’ના જેવી સ્થિતિ
હોસ્પિટલ ચોક બ્રિજની કામગીરી પૂર્ણ થતાં તેને ચાલુ કરી દેવાયો છે પરંતુ સાંઢીયા પુલ મોટા વાહન માટે બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો માટે તો ’હતા ત્યાંના ત્યાં’ જેવી સ્થિતિ સર્જાવા પામી છે. એટલું જ નહીં અહીં પણ ટ્રાફિકજામ સમસ્યાનું એક કારણ ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારી સાથે હોસ્પિટલ ચોક બ્રિજ નીચે આવેલા પાર્કિંગમાં ખડકાઈ ગયેલા ખાનગી પેસેન્જર વાહનો છે. આ વાહનો મનફાવે ત્યાં ઉભા રહી જાય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જે છે.