જૂનાગઢ મહાનગર પાલિકામાં ડિજિટલ કામગીરી શા માટે જરૂરી?
કોન્ટ્રાકટનાં કામમાં ઇજનેરની એજન્સી હોવાનાં સ્થાયી સમિતિએ પણ સ્વીકાર્યું
- Advertisement -
મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં ઇલેકટ્રીક ઇજનેરને સસ્પેન્ડ કરવાનો ઠરાવ કરાયો
10 વર્ષનાં ઑડીટનો હિસાબ કરવામાં આવે તો મોટી રકમની ગેરરીતિ સામે આવી શકે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાનાં ઇલેકટ્રીક ઇજનેરને સસ્પેન્ડ કરવાનાં ઠરાવમાં હજુ કોઇ કાર્યવાહી થઇ નથી. તાજેતરમાં મનપાની સ્થાયી સમિતીએ ઇજનેરને સસ્પેન્ડ કરવા ઠરાવ કર્યો હતો. કેમ કે, ઇલેકટ્રીક ઇજનેર દ્વારા છેલ્લા 10 વર્ષનું ઓડીટ રજુ કરવામાં આવ્યુ નથી. છેલ્લા 10 વર્ષનાં ઓડીટનો હિસાબ રજુ કરવામાં આવે તો મોટી રકમની ગેરરીતે સામે આવવાની શકયતા છે? જૂનાગઢ મહાનગર પાલીકાને ડિજિટલ બનાવવાનો 6 કરોડનાં પ્રોજેકટને ગ્રહણ લાગ્યું છે. મનપાને ડિજિટલ બનાવવામાં આવે તો મહદઅંશે ભ્રષ્ટાચારને રોકી શકાય તેમ છે. પરંતુ જૂનાગઢ મનપાને ડિજિટલ બનાવવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢને બાદ કરતા રાજયની તમામ કોર્પોરેશન ડિજિટલ બની ગઇ છે. પરંતુ જૂનાગઢ મહાનગર પાલીકા હજુ 18મી સદીમાં કામ કરે છે. જૂનાગઢ મહાનગર પાલીકાને ડિજિટલ બનાવવાનું શુ કામ જરૂરી છે તેનું ઉદાહરણ તાજેતરમાં જ સામે આવ્યું છે. જૂનાગઢ મહાનગર પાલીકાનાં ઇલેકટ્રીક ઇજનેર હાજા ચુડાસમાએ 10 વર્ષનું ઓડીટ રજુ કર્યું નથી. જૂનાગઢ મહાનગર પાલીકા ડિજિટલ હોત તો આ નોબત આવી હોત નહી. તાજેતરમાં સ્થાયી સમિતીની બેઠકમાં ઇલેકટ્રીક ઇજનેર હાજા ચુડાસમાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી કોઇ જ તપાસ કરવામાં આવી નહી. સ્થાયી સમિતીનાં ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે, હાજા ચુડાસમાને સસ્પેન્ડ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે અને તે ઠરાવ કમિશ્ર્નર તરફ મોકલી દેવામાં આવ્યો છે.
- Advertisement -
કમિશ્ર્નર શું નિર્ણય લેશે તે તપાસનાં અર્થે બહાર આવશે. હાજા ચુડાસમા દ્વારા છેલ્લા 10 વર્ષનું ઓડીટ રજુ કર્યું નથી. તેમજ કોન્ટ્રાકટનાં કામમાં પોતાની એજન્સી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઓડીટમાં 10 વર્ષનો કેટલો ખર્ચ થયો તે તપાસ પછી સામે આવી શકે.
મારી પાસે ઠરાવ આવ્યો નથી: હાજા ચુડાસમા
આ અંગે હાજા ચુડાસમાએ જણાવ્યું હતું કે, ઠરાવ થયો હોય તો મહેકમ વિભાગમાં ગયો હતો. મારી પાસે ઠરાવ આવ્યો નથી. ઓડીટ વિભાગ દ્વારા મારી પાસે જે વિગત કે જવાબ માંગવામાં આવ્યાં હતાં, તે ઓડીટ વિભાગને આપી દીધા છે. દર વર્ષે ઓડીટ તો થતું જ હોય.
મનપાનાં કમિશનરનો સંપર્ક ન થયો
આ અંગે મનપાનાં કમિશનર રાજેશ તન્નાનો ખાસ-ખબરએ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કમિશનર રાજેશ તન્નાએ ફોન ઉપાડ્યાં ન હતાં.
મનપાનાં કમિશનર અધિકારી સામે કાર્યવાહી કરશે ?
જૂનાગઢ મહાનગર પાલીકામાં ભ્રષ્ટાચારની વિગતો અનેક વખત બહાર આવી છે. ઇલેકટ્રીક ઇજનેર સામે 10 વર્ષનું ઓડીટ ન કરવાનાં આક્ષેપ થયા છે અને તેને સસ્પેન્ડ કરવા સ્થાયી સમિતીએ ઠરાવ કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, મનપાનાં કમિશનર રાજેશ તન્ના અધિકારીને બચાવશે કે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.