હિમાચલમાં 24 દિવસમાં 27 વખત વાદળ ફાટ્યું
ખાસ-ખબર સંવાદદાતા
દેશના ઉત્તરી રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે આ રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય રાજ્યોમાં વરસાદે રસ્તાઓ બંધ કરી દીધા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદરીનાથ નેશનલ હાઈવેનો લગભગ 200 મીટર ધોવાઈ ગયો છે. હાઇવે બંધ થવાને કારણે 1000થી વધુ યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. હિમાચલ પ્રદેશમાં જૂનથી અત્યાર સુધીમાં વાદળ ફાટવાની 35 જેટલી ઘટનાઓ બની છે. છેલ્લા 24 દિવસમાં 27 વખત વાદળ ફાટ્યા છે. પૂરના કારણે 158 લોકોનાં મોત થયાં છે. 606 મકાનો ધરાશાયી થયાં અને 5363 મકાનોને નુકસાન થયું. તે જ સમયે, દિલ્હીમાં ફરીથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. યમુના હજુ પણ ખતરાના નિશાનથી ઉપર છે. મંગળવારે સવારે પાણીનું સ્તર 205.45 નોંધાયું હતું. આજે અહીં વરસાદની પણ શક્યતા છે.
- Advertisement -
દિલ્હીમાં ફરી પૂર જેવી સ્થિતિ
ભારે વરસાદને કારણે મરણાંકમાં આ વખતે ગુજરાત ત્રીજા ક્રમે: બિહાર પ્રથમ: કુલ 518 મોત થયા
- Advertisement -
હિમાચલમાં વરસાદે 200નો ભોગ લીધો: ગુજરાતનો મૃત્યુઆંક 139
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરભારતના કેટલાક ભાગોમાં ચોમાસાની ભયાનકતા ચાલુ રહેતા બિહારમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 518 મોત થયા હોવાનું ગૃહવિભાગના ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના આંકડાઓમાં કહેવાયું છે. ત્યાર પછી હિમાચલ પ્રદેશ 200 અને ગુજરાતમાં 139 મોત થયા છે જે રાષ્ટ્રીય રીતે રાજયને ત્રીજો નંબર આપે છે. આ આંકડા 1 મે થી 23 જુલાઇ સુધીના છે. રિપોર્ટ અનુસાર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધારે મોત થયા છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું કે બીપરજોય વાવાઝોડાની અસર ઉપરાંત ભારેથી અતિ ભારે વરસાદના બે થી ત્રણ ગાળાએ રાજયના કેટલાક ભાગોમાં જળતાંડવ કર્યું છે.
તાજેતરમાં જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને અન્ય જીલ્લાઓ જળતાંડવનો ભોગ બન્યા હતા. વરસાદના કારણે મોતની આ યાદીમાં બનાસકાંઠા અને મહીસાગરમાં તળાવમાં ડૂબી જવાના કારણે પાંચ બાળકોના થયેલા મોત પણ સામેલ છે. કાંકરેજ તાલુકાના ફતેપુરા ગામમાં ત્રણ બાળકોના મોત થયા હતા. ગયા અઠવાડીયે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં 11 વર્ષનો એક છોકરો ડૂબી ગયો હતો જ્યારે રણજીતસાગર ડેમમાં 35 વર્ષનો એક પુરૂષ અને તેનો 13 વર્ષનો પુત્ર તથા ધુંવાવમાં એક ત્રણ વર્ષની છોકરી ડુબી ગયા હતા. દિવાલ પડી જવાના કારણે આણંદમાં 2 વ્યકિત અને બરવાળામાં એક મહિલાનું મોત થયું હતું. હવામાન વિભાગ દ્વારા હજુ પણ એક અઠવાડીયુ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.