પત્રકારત્વને ક્ષેત્રે 30 વર્ષનું ખેડાણ કરનાર અર્જૂનભાઇ પરમારની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
વાંચનનાં શોખથી અર્જુનભાઈને પત્રકાર બનવા પ્રેરણા મળી : ગિરનારનાં લગાવથી જૂનાગઢને કાયમી વતન બનાવ્યું
- Advertisement -
ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂર્ણ થયા. 1 જુલાઇ 1822માં પ્રથમ ગુજરાતી અખબાર શરૂ થયું હતું. જે દિવસે ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂર્ણ થયા તે જ દિવસે પત્રકારત્વ ક્ષેત્રે 30 વર્ષનું ખેડાણ કરનાર જૂનાગઢ માહિતી ખાતાનાં માહિતી નિયામક અર્જૂનભાઇ પરમાર નિવૃત થયા. 30 વર્ષની નોકરીમાં પત્રકારત્વમાં અનેક ચડાવ ઉતાર જોનાર અર્જૂનભાઇ પરમારે 1989માં જર્નાલિઝનો અભ્યાસ કર્યો અને 1991માં માહિતી વિભાગમાં મદદની માહિતી અધિકારી તરીકે કચ્છ-ભૂજથી નોકરી શરૂઆત કરી. પત્રકારત્વ ક્ષેત્ર તડકા છાયા જોનાર અર્જૂનભાઇ પરમારની ખાસ ખબર સાથે ખાસ મુલાકાત…
કહેવાય છે કે, દરેક જગ્યાથી ન્યાય ન મળે ત્યારે વ્યકિતે પત્રકાર પાસે ન્યાયની અપેક્ષા સાથે આવે છે. પત્રકારત્વને લોકોશાહીનો ચોથો સ્થંભ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં દરેક શહેરમાં મોટી સંખ્યામાં પત્રકાર મળી રહે. પરંતુ 80-90નાં દાયકામાં ખુબ ઓછા લોકો આ ક્ષેત્ર સાથે જોડાતા હતાં. ત્યારે 1989માં જર્નાલિઝમ કરનાર અર્જૂનભાઇ પરમાર તે સમયનાં ગણીયા ગાઠિયા લોકોમાંના એક હતાં. અર્જૂનભાઇ પરમારનો જન્મ 1 જૂન 1964માં જામજોધપુર તાલુકાનાં મોટા વડીયા ગામે થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો. પિતા માલદેભાઇ કરશનભાઇ પરમાર 4 ધોરણ સુધી ભણેલા હતાં. પોતે ખેતી કરતા અને સાથે નાનો એવો વેપાર કરતા હતાં. માતા સાજીબેન અભણ હતા અને પિતાનો ઓછો અભ્યાસ અને ખેડૂત હોવા છતા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાની સમજ ધરાવતા હતાં. બાળકો ભણી શકે તે માટે તાલુકા કેન્દ્ર ઉપર મકાન બનાવ્યું હતું અને પરિવારનાં તમામ બાળકો અહીં રહી અભ્યાસ કરતા હતાં. અર્જૂનભાઇ પરમારે પ્રાથમિક શિક્ષણ મોટાવડિયામાં લીધું હતું. બાદ જામજોધપુર,બગસરા અને રાજુલામાં માધ્યમિક શિક્ષણ મળેવ્યું હતું. બાદ બીકોમ ગાંધીનગર કર્યુ અને જર્નાલિઝમ અમદાવાદમાં પૂર્ણ કર્યું.
ખેડૂત પુત્રએ જર્નાલિઝમ કરી 1991માં માહિતી વિભાગમાં નોકરીની શરૂઆત કરી
- Advertisement -
અર્જૂનભાઇ પરમારે કહ્યું કે, જે તે સમયે દુષ્કાળ વધુ પડતા. 86-87નાં દુષ્કાળમાં ઘરની આર્થીક સ્થિતી નાજુક બની ગઇ હતી. કોલેજનાં અભ્યસમાં મુશ્કેલી ઉભી થઇ રહી હતી. ત્યારે ઇશ્ર્વરની કૃપાથી ઓબીસીની છાત્રાલયમાં પ્રવેશ મળ્યો. તો અગળ અભ્યાસમાં અનુકુળતા રહી.વાંચનો ખુબ શોખ હતો. ગાંધીનગર અભ્યાસ દરમિયાન લાઇબ્રેરીમાં વાંચન માટે જતા હતાં. અહીં નિયમીત અખબાર વાંચતા હતાં. વાંચનનાં કારણે પત્રકાર બનવાની પ્રરેણા મળી. 1989માં જર્નાલિઝમ કર્યુ. 1991માં સરકારનાં માહિતી વિભાગમાં નોકરી મળી. પ્રથમ કચ્છ-ભુજમાં માહિતી મદદનીશ તરીકે નોકરીની શરૂઆત કરી. બાદ જોડિયા,વિરપુર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ અને છેલ્લે જૂનાગઢમાં નોકરી કરી. ગિર સોનાથ જિલ્લો નવો જિલ્લો બનતા સહાયક માહિતી નિયામક તરીકે પ્રમોશન સાથે નિમણુંક થઇ. નવા જિલ્લાનાં પ્રથમ માહિતી નિયામક બન્યાં. બાદ 2019માં કલાસ વન તરીકે પ્રમોશન સાથે જૂનાગઢ બદલી થઇ અને જૂનાગઢમાં 30 જૂન 2022નાં નિવૃત થયા. નોકરીનાં સિધ્ધાંત જણાવતા કહ્યું હતું કે, નોકરી દરમિયાન નો પેન્ડીંગ વર્કનો સિધ્ધાંત અપનાવ્યો હતો. કોઇ કામ બાકી રહેવા ન દેવું. જેનાથી નોકરી દરમિયાન કામનું પ્રેસર રહેતું ન હતું. નોકરીમાં પ્રમોશન મળ્યાં પછી અધિકારી બન્યા, બાદ એક પણ કર્મચારીને નોટીસ આપી નથી. હકારાત્મક અભિગમનાં કારણે નોકરીમાં સરળતા રહી છે. કનુભાઇ કરમટા મારા ગુરુ રહ્યાં છે. તેમની પાસેથી હકારાત્મકા શિખવા મળી છે. જે પરિવાર અને નોકરીમાં ફાયદો થયો છે. 30 વર્ષ પહેલાનાં અને વર્તમાન પત્રકારત્વમાં શુ તફાવત અને હાલ પડકાર શું છે ? તેના જવાબમાં અર્જૂનભાઇ પરમારે કહ્યું હતું કે, હાલ કામ આંગળીનાં ટેરવા પર થઇ રહ્યું છે. એક જ મિનીટમાં હજારો લોકો સુધી સમાચાર પહોંચી જાય છે.ત્યારે દરેક મિડિયા ઓફસમાં સમાચાર આપવા જવા પડતા હતાં. ફોટો કોપી આપવા જવી પડતી હતી. હવે બધુ મેઇલથી મોકલી શકાય છે. પત્રકારત્વમાં પડકારની વાત કરીએ તો સંશોધામત્ક પત્રકારત્વ ખુબ ઓછું થઇ રહ્યું છે. પત્રકારત્વ સામે સોશિયલ મિડિયાનો એક મોટો પડકાર છે. સાથે હાલ જેના હાથમાં મોબાઇલ આવી ગયો તે પણ પત્રકાર બની થયા છે. પત્રકારત્વ ક્ષેત્રે સમજણ, લાયકાત અને શિક્ષણનો અભાવએ પડકાર બની રહ્યો છે. બીજુ વન સાઇડ પત્રકારત્વ થઇ રહ્યું છે. સમાજ ઉપયોગી પત્રકારત્વ ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. વ્યકિત વિશેષ, ઉદ્યોગો,કૃષિ, શિક્ષણની સારી બાબતો જેવા અનેક મુદાઓ હાલ છુટી રહ્યાં છે. સમાચારમાંથી હકારાત્મક અભિગમ ઓછો થઇ રહ્યો છે. સમાજનાં તેની ખાસ જરૂર છે. લોકોને પ્રેરણા આપતા સમાચાર ઓછો થઇ રહ્યાં છે. જૂનાગઢને વતન કેમ બનાવ્યું ? અર્જૂનભાઇ પરમારે કહ્યું હતું કે, જૂનાગઢ અભ્યાસ કરતા ત્યારથી જૂનાગઢ અને ગિરનાર ખુબ જ ગમતા હતાં. જૂનાગઢમાં જ કાયમી સ્થાયી થવાનું સ્વપ્ન હતું. જે પૂર્ણ થયું છે. જૂનાગઢનાં કાયમી વતની બની ગયા છે. ગિરનાર ઉપરાંત મોતીબાગ પસંદ છે. છેલ્લા 22 વર્ષથી મોતીબાગે ચાલવા માટે જાવ છું. અર્જૂનભાઇ પરમારે જણાવ્યું હતું કે, સરકારી નોકરીનાં કારણે કામ રહેતું. તેમા પણ માહિતી ખાતામાં નોકરી દરમિયાન ઘણી વખત શનિ-રવિવારનાં નોકરી પર જવાનું થતું હતું. ત્યારે મારા પત્નીનો ખુબ જ સહકાર મળ્યો. સામાજીક દરેક પસંગ તેમને પૂર્ણ કર્યા. હવે હું નિવૃત નથી થયો મારા પત્ની નિવૃત થયા છે. હવે સામાજીક પ્રસંગોમાં જવાનું મારું કામ છે. તેમને નિવૃત કરવાં છે.પહેલા પણ પરિવારને પુરતો સમય આપતા હતાં. અને હવે પરિવારને જ સમય આપવો છે.
નો પેન્ડિંગ વર્કનાં સિધ્ધાંતથી નોકરી કરી : અધિકારી તરીકે એક પણ કર્મચારીને નોટિસ નથી આપી
પિતાજી ખુબ શ્રમ કરાવતા એટલે અમે અભ્યાસમાં રસ લેતા
અર્જૂનભાઇ પરમારે કહ્યું હતું કે, પિતા અને દાદા બન્ને ઓછું ભણેલા. પરંતુ બાળકોને સારું શિક્ષણ મળે તેવો આગ્રહ રાખતા હતાં. અમે વેકેશનમાં ગામડે જતા ત્યારે ખેતરમાં ખુબ જ મહેનત કરાવતા હતાં. આ મહેનતથી અમે આપો આપ આગળ અભ્યાસનું મન થતું હતું. અહીંથી જીવનમાં પરિવર્તન આવ્યું. અભ્યાસ નહી કરીએ તો આગળ જતા ખેતી કરવી પડશે. જોકે દરેક વ્યકિતે પોતાનાં પિતૃક વ્યવસાય છોડવો જોઇએ નહી. હું આજે પણ ખેતી સાથે જોડાયેલો છું. મને મળેલા શિક્ષણનાં કારણે મારા બન્ને સંતાનોને પણ ઉચ્ચશિક્ષણ આપી શકયાં.
વાંચન, ભ્રમણનો શોખ, ઇશ્ર્વરમાં શ્રદ્ધા, જીવનમાં કોઇ જ ઓફસોસ નહી
અર્જૂનભાઇ પરમારને વાંચનનો શોખ છે. તેમજ ફરવુ ગમે છે. ગિરનાર ઉપરાંત કર્ણાટક,રાજસ્થાન, કાશ્મીર તેમનાં ફરવાનાં પસંદીનાં સ્થળ છે. તેમણે કહ્યું કે, ઇશ્ર્વરમાં ખુબ જ શ્રધ્ધા છે. જીવનમાં કોઇ જ ઓફસોસ નથી. પણ સંતોષ છે. ગામડાનો છોકરો કલાસ વન ઓફીસર બને તો સંતોષ જ કહેવા. નોકરી દરમિયાન વિરપુર, સોમનાથ , જૂનાગઢ,દ્વારકા રહેવાનું થયું તો ખુબ જ આનંદ થયો. ધાર્મીક સ્થળો પર નોકરી કરવાની સંતોષ થયો છે.
સરકારી નોકરીમાં કાયમી હકારાત્મક અભિગમ
અર્જૂનભાઇ પરમારે જણાવ્યું હતું કે, માહિતી ખાતા સાથે લોકોનો સીધો સંપર્ક હોતો નથી. પરંતુ કોઇ વ્યકિત અહીં આવી ચડતા તો તેને સાંભળતા હતાં. માહિતી વિભાગમાં નોકરીનાં કારણે અન્ય કચેરી સાથે ઓળખાણનાં કારણે જેતે વિભાગમાં ફોન કરી તેનો સંપર્ક કરાવી દેતા હતાં. સરકારનો નાનામાં નાનો કર્મચારી સરકારનો પ્રતિનીધી છે,તેમ સમજી કામ કર્યું છે. સરકારી નોકરીમાં કાયમી હકારાત્મક અભિગમ રાખ્યો હતો.