પિતાનું મૃત્યુ થયું હોય તો પણ દીકરીઓનો પિતાની સંપત્તિમાં સમાન હક્ક રહેશે
સુપ્રીમ કોર્ટે દીકરીઓના હક બાબતે એક મોટો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ હવે પિતાની સંપત્તિમાં દીકરીઓ પણ સરખી ભાગીદાર છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે 2005માં હિન્દુ ઉત્તરાધિકાર(સંશોધન) કાયદો આવતા પહેલા પિતાનું મોત થઈ ગયું તો પણ પુત્રી સરખી ભાગીદાર ગણાશે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરૂણ મિશ્રાએ ચુકાદામાં કહ્યું દીકરીઓને પણ દીકરા સમકક્ષ જ હક મળવો જોઈએ. દીકરી હમેશાં સરખી ભાગીદાર રહેશે, પછી તેના પિતા જીવતા હોય કે મૃત્યુ પામ્યા હોય. ત્રણ જજની બેન્ચે ઘણી અરજીઓ પર સુનાવણી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંશોધિત કાયદામાં દીકરીઓને ઉત્તરાધિકારમાં સમાન અધિકાર છે કે નહિ.
મિતાક્ષરા પદ્ધતિ(દરેક વ્યક્તિને જન્મથી જ તેના પિતાની સંયુક્ત પરિવારની સંપત્તિમાં ભાગ પ્રાપ્ત થાય છે.)માં મહિલા કોપાર્સનર બની શકતી ન હતી. એટલે સુધી કે એક પત્ની, પતિની સંપત્તિની દેખરેખ રાખવાની હકદાર છે પરંતુ તે તેના પતિની કોપાર્સનર નથી. એક માતા તેના પુત્રના સંબંધમાં કોપાર્સનર નથી. આ કારણે સંયુક્ત પરિવારની સંપત્તિમાં એક મહિલાને સંપૂર્ણ હક ન હતો.
હિન્દુ ઉત્તરાધિકાર કાયદો શું હતો?
હિન્દુ ઉત્તરાધિકર અધિનિયમ 1956માં બનાવવામાં આવ્યો હતો. આ કાયદા દ્વારા મહિલાઓને સંપત્તિનો અધિકાર એટલે કે સંયુક્ત હિન્દુ પરિવારમાં વારસાના અધિકારોને માન્યતા આપવામાં આવી. જોકે ત્યારે પણ દીકરીને કોપાર્સનરનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
- Advertisement -
2005માં શું ફેરફાર થયો?
2005માં સંસદે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956ની ધારા 6માં સંશોધન કર્યું. દીકરીઓને એક દીકરાની જેમ કોપોર્સનરના રૂપમાં માન્યતા આપી. તેના દ્વારા મહિલાઓને બંધારણ મુજબ એક સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો. આ હિન્દુ ઉત્તરાધિકાર(સંશોધન) અધિનિયમ 9 સપ્ટેમ્બર 2005ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. સંસદે માન્યું કે દીકરીઓને કોપાર્સનરી ન બનાવવાને કારણે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યાં છે.