કિન્નર આચાર્ય
તમે ક્યારેય ફટાકડાં વગરની કે દિવાળી જોઈ છે? પતંગ વગરની મકર સંક્રાંતિ? રંગો અને જ્વાળા વગરની ધુળેટી – હોળી? સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેળા વિનાની, પિકનિક વગરની જન્માષ્ટમી છે. ટાઢી સાતમ તો આપણે દર વર્ષે જોઈએ છીએ, આવી ટાઢી આઠમ સૌરાષ્ટ્રએ ક્યારેય નથી જોઈ. સૌરાષ્ટ્રના લગભગ દરેક તીર્થમાં આ દિવસો દરમિયાન મેળાઓ યોજાતા હોય છે. દરેક શહેરો, નગરો, મહાનગરો, ટાઉનમાં મેળાઓ થતા હોય છે. રાજકોટનો લોકમેળો તો ભારતનો સૌથી મોટો સાંસ્કૃતિક ( ધાર્મિક નહિ ) મેળો ગણાય છે. ચાર – પાંચ દિવસ દરમિયાન બાર પંદર લાખ લોકો ઊમટતા હોય તેવો બીજો કોઈ સાંસ્કૃતિક મેળો દેખાડો ભારતમાં.
- Advertisement -
મેળાઓ સૌરાષ્ટ્રના રંગસૂત્રોમાં અંકિત છે. બેઉ એકમેકમાં ઓતપ્રોત છે. કહેવાય છે કે કોઈ બાબતની ગેરહાજરીમાં કે અછતમાં જ તેનું અસલી મૂલ્ય આપણને સમજાતું હોય છે . મેળાઓનું મહાભ્ય આ વર્ષે વધુ સારી રીતે સમજાશે. સૌરાષ્ટ્રવાસીઓ માટે એ રિફ્રેશરનું કામ કરે છે. કહો કે એ ઉંજણ છે. કટાઈ ગયેલા તન – મનને ઓઈલિંગ કરવાનો અવસર. માણસ એકાંતમાં તાજગી શોધતો હોય છે, રાજકોટ અને સૌરાષ્ટ્રવાસી ભીડમાં ભીંસાઈને, ધૂળિયા થઈને તાજામાજા થઈ જાય છે. આ થાકમાં પણ ગજબનાક રાહત હોય છે, આરામ હોય છે. અને શહેરની આસપાસના સ્થળોએ ફરવાની, પિકનિક કરવાનો પણ એક અલગ રોમાંચ હોય છે. ઘેરથી ભેળની કાચી સામગ્રી લઈને જવાનું. ખાસ જન્માષ્ટમીમાં જ બનતા ફરસાણ – મીઠાઈ સાથે હોય. ફાફડા – મઠીયા, ફરસી પુરી, બરફી ચૂરમું, મોહનથાળ અને મગસ. ઘેરથી આ બધાની સાથે સાથે શેતરંજી, પસ્તી પણ લીધી જ હોય. કોઈ ઓછી ગંદી જગ્યા શોધીને ત્યાં આ બધાની જ્યાફત ઉડે.સૌરાષ્ટ્રમાં કોઈ એવા અતિ સુંદર કે બહુ મનમોહક ગણાય તેવા સ્થળો નથી, લોકો અજાણ્યા, ઓછા જાણીતા સ્થળો, મંદિરો શોધી કાઢવાને એક સિદ્ધિ જ માને. એ જ આપણું મનાલી, એ જ બાલી અને એ જ આલ્પ્સ. એ જ ઇશ્વરીયા, હનુમાન ધારા, દાળેશ્વર , બિલેશ્વર, કિલેશ્વર, રણુજા , ભાદર, આજી દાયકાઓથી આપણે ખૂંદીએ છીએ, હજુ તેનાંથી થાક્યા નથી. આ જ દિવસોમાં ત્યાં જવાનું ભૂલતા નથી. એ જ હિંગોળગઢ, અચલગઢ, ઓસમ ડુંગર અને ગિરનાર. પણ આ ડુંગરા ચડવાનો જે થાક લાગે છે તેનાથી થાક ઉતરી જાય છે. મેળામાં ખાસ કશું બદલાયું નથી. અગાઉ પતરાંના નાના દેડકા મળતા. શેરીના છોકરાઓ દેડકા વગાડતાં – વગાડતાં નીકળે એટલે સમજવાનું કે એ મેળામાં જઇ આવ્યા. પાણી ભરેલા ફુગ્ગાને રબ્બરની દોરીથી બાંધ્યા હોય અને પછી તેનાથી રમવાનું… આ બધું હવે નથી દેખાતું અને છતાં મેળાની એક મોજ છે . મોતના કૂઆમાં અગાઉ એક બાઇક ચાલતું તો પણ નવાઈ લાગતી, હવે બે કાર અને બે – ચાર બાઇક દોડે છે. દર વર્ષે એકાદ નવી રાઈડ આવે છે પણ, જૂની રાઈડ્સ હજુ પણ રોમાંચ આપે છે. એ ને …. સડેલી પાઉંભાજી અને બેસ્વાદ પેટીસ, બકવાસ ખિચું અને સાવ ખોટાડા જ્યુસ… આવી મોજ માત્ર મેળામાં જ મળે. એ જ સ્ટોલ છે બધા… રાજસ્થાનથી અથાણાંવાળા આવે છે, જામનગરથી મુખવાસ, ગરોળી ભગાડવાનું ખોટું યંત્ર અને જીવાતોને દૂર રાખતું ફેક મશીન, સવાસો બીમારીઓ પર અકસીર સાબિત થવાના દાવા સાથે આવતું લાકડાનું વેલણ, માત્ર બે મહિનામાં દસ – વિસ કિલો ચરબી ઉતારી દેવાનો દાવો કરતાં ઊંટવૈધો અને આ બધા વચ્ચે સતત અમીન સાયાનીની અત્યંત નબળી નકલ કરતો એનાઉન્સર. મીડિયોક્રસી અને વાહિયાતપણાની પણ એક આગવી મજા હોય છે . જિંદગીમાં બધું પોલિશ હોય અને એકદમ અપમાર્કેટ હોય તો તેનો પણ એક પ્રકારે કંટાળો આવી જતો હોય છે. મેળાઓ આપણને સૌને મીડિયોકર બનવાની તક આપે છે. મેળો સ્વયં એક સમાજવાદી, સમાનતાવાદી ઘટના છે, ત્યાં કોઈ રાજા નથી, બધા રંક છે, બધાને ભીડમાં દળાઈ જવાનું છે, પીસાઈ અને ટીચાઈ જવાનું છે. ત્યાં બધાએ ફજેત ફાળકાંની કતારમાં ઉભા રહેવાનું છે. તમે ગમે તેટલા બૌદ્ધિક હોવ, નાસ્તિક હોવ તો પણ ગંગારામ ગધેડાનો શો જોવા લાઈનમાં ઉભા રહેવાનું છે. હા! આ વર્ષે એ પણ મિસ કરીશ! સફળ સૃષ્ટિના તમામ લોકોનાં ભૂત – ભવિષ્ય – વર્તમાન જાણતો મારો ત્રિકાળજ્ઞાની પ્રિય ગંગારામ ગધેડો ક્યાં હશે? એ શું કરતો હશે? આઈ મિસ યુ સો મચ, ગંગારામ!