ખાસ-ખબર સંવાદદાતા
દેવભૂમિ દ્વારકાના દરિયામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર અવરજવર અટકાવી દેવામાં આવી છે. પ્રશાસને દરિયાઈ સીમા સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે. દ્વારકાના એડીશનલ કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, સંવેદનશીલ દરિયાઈ સીમા ધરાવતા દ્વારકાના આવેલા 24 ટાપુઓ પૈકી 21 ટાપુઓ પર આગામી 4 ફેબ્રુઆરી 2024 સુધી સામાન્ય નાગરિકોના અવરજવર પ્રતિબંધિત કરવામાં આવી છે.
સંદેશે આપેલા અહેવાલ મુજબ દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે. આ પૈકીના માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાહત છે જયારે અન્ય ટાપુઓ સાવ નિર્જન છે. છેલ્લા કેટલાક સમયથી આ ટાપુઓ પર મઝહબી પ્રવૃત્તિઓની આડમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ, કે ગેરકાયદેસર દબાણો ન થાય તે માટે સમયાન્તરે પ્રશાસન આ ટાપુઓ પર જવા પર પ્રતિબંધ લગાવતું આવ્યું છે. ત્યારે ફરી એક વાર તંત્રએ દરિયાઈ સીમા સુરક્ષાને ધ્યાને રાખીને કુલ 21 ટાપુઓ પર નાગરિકોના જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 4 ફેબ્રુઆરી 2024 સુધી દ્વારકાના આ 21 ટાપુઓ પર અવરજવર પ્રતિબંધિત છે. આ પૈકીના અનેક ટાપુઓને સુરક્ષાની દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દ્વારકાના સહિતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સના સ્મગલિંગ સહિત દેશ વિરોધી પ્રવૃત્તિઓની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પણ કરવામાં આવતા હતા. બેટ દ્વારકામાં પણ તંત્રએ ગેરકાયદેસર બાંધવામાં આવેલા મજહબી બાંધકામો તોડી પાડ્યા હતા. આ ડિમોલિશન અત્યાર સુધીનું સહુથી મોટું ડિમોલિશન હતું.
- Advertisement -
ક્યા-ક્યા 21 ટાપુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો?
આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા અનુસાર જિલ્લામાં આવેલ 21 ટાપુઓ જેમાં (1) ધાની ઉર્ફે ડની ટાપુ, (2) ગાંધીયોકડો ટાપુ, (3) કાલુભાર ટાપુ, (4) રોઝી ટાપુ, (5) પાનેરો ટાપુ, (6) ગડુ (ગારૂ) ટાપુ, (7) સાનબેલી (શિયાળી) ટાપુ, (8) ખીમરોઘાટ ટાપુ, (9) આશાબાપીર ટાપુ (10) ભૈદર ટાપુ (11) ચાંક ટાપુ (12) ધબધબો (દબદબો) ટાપુ (13) દીવડી ટાપુ (14) સામીયાણી ટાપુ (15) નોરૂ ટાપુ (16) માન મરૂડી ટાપુ (17) લેફા મરૂડી ટાપુ (18) લંધા મરૂડી ટાપુ (19) કોઠાનું જંગલ ટાપુ (20) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (21) કુડચલી ટાપુ