સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગે દોડી જઈને સ્થિતિ કાબૂમાં લીધી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા નજીક રવિવારના રોજ ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં થોડીવાર માટે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા બાદમાં તંત્રએ તાકીદે પહોંચી રેરક્યુ કામગીરી કરતા આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છથી ગેસ ભરીને નીકળેલું ટેન્કર રાજકોટ તરફ જઈ રહ્યું હતું ત્યારે રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા પાસે પહોંચતા પેટ્રોલપંપ પાસે ટેન્કર આગળ રીક્ષા આવી ગઈ હતી જેથી રિક્ષાને બચાવવા જતાં ટેન્કર પલટી મારી ગયું હતું જે ટેન્કરમાં ગેસ ભરેલો હોવાથી લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં ટંકારા પીએસઆઈ સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તકેદારીના ભાગરૂપે મોરબી ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવતા મોરબી ફાયર બ્રિગેડના જવાનોની ટીમ દોડી ગઈ હતી અને તાકીદે સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો જેથી મોટી દુર્ઘટના ટળી હતી.