ભારત સરકાર તરફથી સમર્થન અને સંસાધનોના અભાવને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું કહ્યું
ખાસ-ખબર સંવાદદાતા
અફઘાન દૂતાવાસ 1 ઓક્ટોબર 2023થી ભારતમાં તેનું કામકાજ બંધ કરી રહ્યું છે. રાજધાની નવી દિલ્હીમાં સ્થિત અફઘાન એમ્બેસીએ 30 સપ્ટેમ્બરે એક નિવેદન જારી કરીને આની જાહેરાત કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમને આ માહિતી આપતા દુ:ખ થાય છે. ભારત સરકારના સમર્થનના અભાવ, કર્મચારીઓ અને સંસાધનોની અછતને કારણે અમારે આ કરવું પડ્યું. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ભાગીદારીને ધ્યાનમાં રાખીને ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં અફઘાન એમ્બેસી બંધ હોવાના અહેવાલો હતા. તેમજ અફઘાન એમ્બેસીના 3 અધિકારીઓએ પોતે સમાચાર એજન્સી રોઇટર્સને ભારતમાં તેમની એમ્બેસીને બંધ કરવાની માહિતી આપી હતી. તેણે કહ્યું હતું- એમ્બેસી સંબંધિત તમામ કામ બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ રાજદ્વારીઓ ભારત છોડીને યુરોપ અને અમેરિકા ગયા છે.
અહેવાલો અનુસાર, ભારતમાં અફઘાનિસ્તાનના પ્રભારી રાજદૂત ફરીદ મામુંદઝાઈએ તાલિબાનને એક પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ તેમનું કાર્ય પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે. કારણ કે તેમને તાલિબાન સરકાર તરફથી કોઈ સમર્થન કે રાજદ્વારી મદદ આપવામાં આવી ન હતી.બીજી તરફ, તાલિબાને કહ્યું છે કે તેઓએ મામુંદઝાઈની નિમણૂક જ કરી નથી. ખરેખરમાં, ભારત સહિત કોઈપણ દેશે તાલિબાન શાસનને માન્યતા આપી નથી. તેથી, ભારત સરકાર પણ તાલિબાન સત્તામાં આવ્યા તે પહેલાંના તૈનાત અફઘાન રાજદૂત (ફરીદ મામુંદઝાઈ)ને જ ત્યાંના સાચા એમ્બેસેડર માને છે.