રાજ્ય સરકાર દ્વારા વિવિધ વ્યવસાયમાં જોડાયેલા કલાકારોની કલાને વિવિધ મેળાઓ થકી વધુમાં વધુ પ્રોત્સાહન મળે તેમજ અન્ય વિવિધ યોજનાઓનો પણ આ કલાકારોને લાભ મળે તે માટે ઉદ્યોગ વિભાગના ઈન્ડેક્સ્ટ-સી અંતર્ગત આર્ટીઝન કાર્ડનો લાભ આપવામાં આવે છે. સમગ્ર વિશ્વ જયારે સસ્ટેનેબલ અને પર્યાવરણને નુકસાનરહિત વસ્તુઓના વપરાશ પર ભાર મુકી રહ્યું છે. ત્યારે કલાકાર શાંતિભાઈ જેરામભાઈ ગોયાણી આર્ટીઝન કાર્ડના લાભ સાથે જ સસ્ટેનેબલ ઇકો ફ્રેન્ડલી કલા કોયર વર્કની કૃતિઓ બનાવી પર્યાવરણની સંભાળ સાથે આ નવીન કલાના વ્યવસાયમાં અનેરી ઊંચાઈ હાંસલ કરી રહ્યા છે.
- Advertisement -
મૂળ ભાવનગરના પરંતુ હાલ હસ્તકલા પ્રદર્શનમાં રાજકોટ ખાતે પોતાની કલાને પ્રદર્શિત કરતા શાંતિભાઇ ગોયાણી અને તેમના પત્ની છેલ્લા 15 વર્ષથી નાળિયેરના છાલામાંથી રેશા (કોયર) કાઢી તેમાંથી વિવિધ કૃતિઓ બનાવે છે. તદ્દન ઇકો ફ્રેન્ડલી કોટનના દોરા અને કેમિકલ ફ્રી કલરથી સજાવટ કરી તેઓ વિવિધ આકારના પક્ષીઓ માટેના માળા, શો પીસ, ગણપતિની મૂર્તિ, લોટી કળશ, મની પ્લાન્ટની સ્ટીક, કોકોપીટ, ટ્રી, કાચબો, સ્ક્રબર વગેરે જેવી વિવિધ વસ્તુઓ બનાવે છે. શાંતિભાઈ દેશના કોયર બોર્ડના શોરૂમમાં સેલર તરીકે પણ જોડાયેલા છે. આ કલાને તેમણે વિવિધ મેળા અને પ્રદર્શનોમાં દર્શાવી લોકોને ખૂબ આકર્ષ્યા છે.
આ અંગે શાંતિભાઈ કહે છે કે, G-20 સમિટ ગાંધીનગર ખાતે વિદેશી પ્રવાસીઓએ પણ કોયર આર્ટને વખાણી કૃતિઓને ખરીદી ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અમને ઇન્ડેક્ટ-સી અંતર્ગત આર્ટીઝન કાર્ડનો લાભ આપી અનેક મેળાઓમાં બોલાવવામાં આવે છે અને અમારી કૃતિઓને પ્રદર્શિત કરી અમને અનેક લોકો સુધી પહોંચવાની તક આપવામાં આવે છે. આ બદલ અમે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
- Advertisement -
આમ, રાજય સરકાર દ્વારા દરેકને પોતાની પ્રતિભા દર્શાવી દરેક કલાને લોકો સુધી પહોંચાડવા અને કલાકારને કલા સાથે રોજગારી પણ મળી રહે તે માટે આર્ટીઝન કાર્ડ દ્વારા અનેક લાભો આપવામાં આવે છે.