-નબિ તથા રાશિદની તોફાની ઈનિંગે શ્રીલંકન ખેલાડીઓના ધબકારા વધારી દીધા હતા
એશિયા કપમાં મંગળવારે ડિફેન્ડીંગ ચેમ્પીયન શ્રીલંકાનો અફઘાનીસ્તાન સામેની મેચમાં માંડ માંડ બે રને રોમાંચક વિજય થતાં તે સુપર ફોરમાં પહોંચ્યું હતું. અફઘાનીસ્તાનના મોહમ્મદ નબીએ ધમાકેદાર 32 બોલમાં 65 રન ફટકારતા એક તબકકે અફઘાનીસ્તાન માટે જીતની આશા જગાડી હતી પરંતુ આખરે અફઘાનીસ્તાનની ટીમ ઓલઆઉટ થઈ જતા તેનું સુપર ફોરમાં પહોંચવાનું સપનું ચકનાચુર થઈ ગયું હતું.
- Advertisement -
શ્રીલંકાએ 50 ઓવરમાં આઠ વિકેટે 291 રન નોંધાવ્યા હતા. જવાબમાં અફઘાનીસ્તાનની ટીમ 37.4 ઓવરમાં 289માં આઉટ થતાં શ્રીલંકાનો બે રને દિલધડક વિજય થયો હતો. રાશિદ ખાને 16 બોલમાં 27 રન ફટકારીને નોનસ્ટ્રાઈક એન્ડ પર અફઘાન ટીમના પરાજયનો સાક્ષી બની રહ્યો હતો. સુપર ફોરમાં કવોલિફાય થવા માટે અફઘાનીસ્તાનને સાત બોલમાં 15 રનની જરૂર હતી અને વેલ્લાલગેની 37મી ઓવરમાં રાશિદે ત્રણ ચોગ્ગા ફટકારીને શ્રીલંકાના ચાહકોના ધબકારા વધારી દીધા હતા પરંતુ ડી સિલ્વાએ ફેંકેલી 38મી ઓવરમાં રાશિદ નોન સ્ટ્રાઈક પર હતો અને મુજીબ ઉપર રહેમાન પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો.
છેલ્લા ક્રમે રમવા ઉતરેલા ફઝલહક ફારૂકીએ બે ડોટ બોલ રમ્યા હતા અને તે ચોથા બોલ પર લેગબીફોર આઉટ થતાં અફઘાનીસ્તાન કેમ્પમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ સાથે જ ગ્રુપ બીમાં સુપર ફોરમાં કવોલિફાય કરનાર શ્રીલંકા બાંગ્લાદેશ બાદ બીજી ટીમ રહી હતી. શ્રીલંકાના બેટસમેન કુસલ મેન્ડીસ (92) મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
અફઘાનીસ્તાનની ખરાબ શરુઆત રહેતા 50 રનમાં ટોચની ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ નબીએ યાદગાર ઈનિંગ્સ રમી હતી અને 32 બોલમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 65 રન ફટકાર્યા હતા. સુકાની હસમતુલ્લાહ શાહિદીએ (59) પણ અડધી સદી ફટકારીને તેનો સાથ આપ્યો હતો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 80 રનની પાર્ટનરશીપ થઈ હતી. શ્રીલંકા તરફથી રજિયાએ સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી. જયારે વેલ્લાલગે અને ડી સીલ્વાએ બે-બે તથા થીકશાના અને પથિરાનાએ એક-એક વિકેટ મેળવી હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધી હતી.
- Advertisement -
ઓપનર નિસંકા (41) અને કરુણારત્ને (32) એ હકારાત્મક શરૂઆત અપાવ્યા બાદ ત્રીજા ક્રમે રમવા આવેલા કુસલ મેન્ડીસે 84 બોલમાં 92 રન ઝુડયા હતા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થયો હતો. મેન્ડીસની ફટકાબાજીને પગલે શ્રીલંકા લડાયક સ્કોર ઉભો કરી શકયું હતું. જો કે તે રનઆઉટ થતાં આઠ રનથી સદી ચૂકયો હતો.