સાળંગપુર મંદિર પ્રશાસન દ્વારા ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
સનાતન સંસ્કૃતિના આરાધ્ય દેવોના અપમાનના આરોપ બદલ ફરી એક વાર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવ્યો છે. વિવાદ છે કે સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે. આ ચિત્રો વિશાળ અને ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામે વિખ્યાત હનુમાનજીની પ્રતિમા નીચે કોતરણી કરીને લગાવવામાં આવ્યાં છે.
- Advertisement -
સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતાં મંદિર પ્રશાસને ભીંતચિત્રો ઢાંકવા પડ્યા
સાળંગપુરમાં રચવામાં આવેલું ષડ્યંત્ર: સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ યુઝર્સે ષડ્યંત્રકારી લોકો પાસેથી મંદિરનો વહીવટ જ આંચકી લેવાની માગ કરી છે
- Advertisement -
કેટલાક દર્શનાર્થીઓએ આ ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ મંદિર પ્રશાસનને એક પીળા પ્લાસ્ટિકથી આ વિવાદિત ભીંતચિત્રો ઢાંકી દેવાની ફરજ પડી છે.
અહેવાલો, અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
આ ચિત્રોના ફોટા પરથી જ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા હોવાનો દાવો કરી આક્રોશ વ્યક્ત કર્યો છે. અપ્પુરાજ રામાનંદી નામના એક ફેસબુક યુઝરે આ મામલે વાંધો દર્શાવતા પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું હમણાં સાળંગપુર ગયો હતો એ મારો છેલ્લો ધક્કો અને મારી મોટી ભૂલ. મેં પછી મીડિયા મારફતે જોયું કે આ તો આપણા હનુમાનજીનું ઘોર અપમાન છે અને આપણા પરમ રામભક્ત હનુમાનજી મહારાજ કોઈ દિવસ સાળંગપુરમાં હોય જ નહીં. જ્યાં આપણા ઈષ્ટનું એટલે કે હનુમાનજી મહારાજનું અપમાન થતું હોય તો આજથી સારંગપુર જવાનું બંધ.
સાથે જ અપ્પુરાજએ આ પોસ્ટમાં આ ભિંત ચિત્રો હટાવવાની પણ માંગ કરી હતી. આ ફોટા વાયરલ થયા બાદ મંદિર પ્રશાસન દ્વારા વિવાદ વધુ ન વકરે તે હેતુથી બંને ભીંતચિત્રો પર પીળા રંગનું પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું છે. આ બાબતે પણ એક સોશિયલ મીડિયા યુઝરે પોસ્ટ કરતા લખ્યું હતું કે, સાળંગપુરમાં રચવામાં આવેલું ષડ્યંત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયા બાદ બેશરમ લોકોને થોડી શરમ આવતા પાપને ઢાંકવામાં આવ્યું છે. હિન્દુઓ ષડ્યંત્રકારી લોકો પાસેથી મંદિરનો વહીવટ જ આંચકી લો.
ઉલ્લેખનીય છે કે મુદ્દો સામે આવ્યા બાદ માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, પરંતુ કેટલાક હિંદુ સંગઠનોએ પણ આ ચિત્રો બદલ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો હતો. અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત હિંદુ યુવાવાહિની દ્વારા આ વિવાદિત ભીંતચિત્રો હટાવવાની માંગ કરવામાં આવી છે. સંગઠનોના અધ્યક્ષ રાજભા ગઢવીએ આ મામલે જણાવ્યું હતું કે, આ સનાતન સંસ્કૃતિનું અપમાન છે, સ્વામિનારાયણ સંપ્રદાય આ પ્રકારની ભૂલો વારંવાર કરે છે. જો આમ જ ચાલતું રહેશે તો આવનારી પેઢી એમ જ માનશે કે હનુમાનજી મહારા ભગવાન રામના નહીં પણ કોઈ એક સંપ્રદાયના સ્વામીના ભક્ત હતા. આ ક્યારેય સહન કરવામાં નહીં આવે.