વેરાવળ અને ડારી ગામેથી 2.34 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રાવણ મહિનામાં અનેક ધાર્મિક તહેવારો આવતા હોય છે ત્યારે ભેળસેળીયા તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો બનાવ સામે આવ્યો છે. ગિર-સોમનાથ એસઓજી પોલીસે વેરાવળ અને ડારી ગામેથી નકલી ઘી બનાવવાની ફેકટરી ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ નકલી ઘી બનાવતી ફેકટરીમાંથી કુલ 68 ડબ્બા નકલી ઘીના ઝડપી પાડવામાં આવ્યા છે. જેની કુલ રૂા.1.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેમાં વેરાવળનાં વખારીયા બજાર અને ડારી ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વેરાવળમાંથી અખ્તર અલ્લારખા હાલાને પકડી લેવામાં આવેલ જયારે ચંદુભાઇ વિનોદ ચંદ્ર હાજર ન હોવાથી તેને ઝડપવા વધુ તપાસ હાથ ધરી છે. આ સ્થળેથી દેશી બનાવટના ઘીના 53 ડબ્બા અને લીચી વનસપતીના બનાવટી 14 ડબ્બા, પામતેલના બે ડબ્બા સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ જેમાં ડારી ગામના શ્યામ ડીવેલ પેઢીમાં રેઇડ કરી બનાવટી ઘી પામતેલ અને વનસ્પતિના ડબ્બા મળી કુલ રૂા.75375નો મુદ્દામાલ કબ્જે કરી પરેશ ગરચર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.