કોઈપણ કારણસર ઇ. સ. 1950નાં દાયકામાં આકાશવાણી ઉપર હિન્દી ફિલ્મી ગીતો પ્રસારીત કરવાની મનાઈ હતી, એ સમયે ઇ. સ. 1952ની 4થી ડિસેમ્બરથી શરૂ થયેલો હિન્દી ફિલ્મી ગીતો માટે રેડિયો સિલોન ઉપરથી પ્રસારિત થતો બીનાકા ગીતમાલા નો પ્રોગ્રામ અત્યંત લોકપ્રિય થયો
રેડિયો વેવ દ્વારા બિનતારી સંદેશ મોકલવાનો સફળ પ્રયોગ ઇ.સ. 1895 માં ભારતીય વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝે કરેલો, પરંતુ તેનું પેટન્ટ લેવાની દરકાર તેમણે કરી નહીં. ત્યારબાદ બે વર્ષ પછી ઇ.સ. 1897 માં ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ એજ પ્રયોગ કરીને તેનું પેટન્ટ લીધું એટલે રેડિયો ની શોધ કરવાનું શ્રેય એમને ખાતે ચડી ગયું. ઇ.સ.1960 થી 1985 સુધી ભારતમાં રેડિયોનો જમાનો હતો.બ્લેક એન્ડ વ્હાઇટ ટી.વી.નું આગમન 1980 પછી ધીમા પગલે થઈ રહ્યું હતું. કલર ટી.વી. 1985-86માં આવ્યું એવું યાદ આવે છે. ત્યાં સુધી સમાચાર, સંગીત, નાટક, ક્રિકેટ કોમેન્ટરી, લોકગીતો, ભજનો, હવામાન સમાચાર, વરસાદ કે વાવાઝોડાની ચેતવણી માટે રેડિયો અને અખબાર મુખ્ય સાધનો હતાં. 1960-65 સુધી તો શહેરોમાં પણ બધાને ત્યાં રેડિયો સેટ નહોતાં. ફિલિપ્સ, મર્ફી અને બુશ કંપનીના રેડિયો શહેરોમાં મળતાં. આ રેડિયો સેટ ઇલેક્ટ્રિક થી ચાલતાં. પ્રસારણ સારી રીતે સાંભળવા માટે પાતળા તાંબાના તાર માંથી બનાવેલ જાળી જેવું એન્ટેના ઓસરી કે રૂમમાં ઉપર લગાડવું પડતું. રેડિયો માટે પોસ્ટ ઓફિસમાંથી નિયત ફી ભરીને લાયસન્સ લેવું પડતું.આ રેડિયો સેટ ત્યારે નવી નવાઈ જેવું લાગતું.
- Advertisement -
ગામડામાં ચોરા ઉપર ગ્રામ પંચાયત દ્વારા રેડિયો સેટ લગાવવામાં આવતો હતો. ત્યારે ગામડામાં વીજળી તો પહોંચી નહોતી એટલે આ રેડિયો સેટ બેટરી દ્વારા ચલાવવામાં આવતો. આવો રેડિયો સેટ ગામડામાં મનોરંજન અને માહિતીનું મોટું સાધન બની ગયું હતું. ફિલ્મી ગીતો સાંભળવા માટે રેડિયો એક અદ્ભુત માધ્યમ હતું. શહેરોમાં મોટી હોટેલોમાં રેડિયો સેટ અને ગ્રામોફોન ઉપર ફરમાઈશ પ્રમાણે ફિલ્મી ગીતો સંભળાવવામાં આવતાં.શરૂઆતમાં આ રેડિયો સેટ વાલ વાળા હતાં. આ રેડિયો સેટ ચાલુ કર્યા પછી પ્રસારણ આવતાં થોડી વાર લાગતી. ત્યાર પછી આવ્યાં ટ્રા ન્સિસ્ટર રેડિયો. રેડિયો સેટ નાની સાઈઝના બન્યા.
આ રેડિયો સેટ બેટરીથી ચાલતા અને ગમે ત્યાં લઈ જઈ શકાય એવા હતા. એવા રેડિયો સેટમાં ટેલિસ્કોપ એન્ટેના આવતાં પ્રસારણ સારી ક્વોલિટીનું આવતું. કોઈપણ કારણસર ઇ. સ. 1950નાં દાયકામાં આકાશવાણી ઉપર હિન્દી ફિલ્મી ગીતો પ્રસારીત કરવાની મનાઈ હતી. એ સમયે ઇ. સ. 1952 ની 4 થી ડિસેમ્બરથી શરૂ થયેલો હિન્દી ફિલ્મી ગીતો માટે રેડિયો સિલોન ઉપરથી પ્રસારિત થતો બીનાકા ગીતમાલા નો પ્રોગ્રામ અત્યંત લોકપ્રિય થયો. દર બુધવારે રાત્રે આઠથી નવ એક કલાક માટે આ કાર્યક્રમ પ્રસારીત થતો. આ કાર્યક્રમનું સંચાલન બેમિસાલ અવાજના માલિક એવા અમીન સાયાની કરતાં.
આ કાર્યક્રમ ઇ.સ.1988 સુધી રેડિયો સિલોન ઉપરથી પ્રસારીત થતો રહ્યો. ઇ.સ. 1989 થી આ કાર્યક્રમ સિબાકા ગીત માલાનાં નવા નામથી આકાશવાણીના વિવિધ ભારતી કેન્દ્ર ઉપરથી પ્રસારીત થવા લાગ્યો. આજે બિનાકા ગીત માલાનાં તમામ મણકા સારેગામાનાં બ્લુટૂથ સ્પીકર ઉપર કે અન્ય ઉપકરણ દ્વારા સાંભળી શકાય છે. રેડિયો બી.બી.સી. નું પ્રસારણ કેન્દ્ર શ્રીલંકામાં હતું. દુનિયાભરના સમાચાર આ રેડિયો દ્વારા સાંભળવા મળતાં. રેડિયો ઓસ્ટ્રેલિયા ઉપર પણ વિશ્વભરના સમાચાર સાંભળી શકાતા. ત્યાર પછી કેસેટ પ્લયેરનું આગમન થયું. નેશનલ પાનાસોનિક, તોશિબા,હિટાચી, સાન્યો, સોની આ બધી જાપાનની કંપનીઓ, ફિલિપ્સ હોલેન્ડ, ટેલીફંકેન અને ગૃંડીગ એ જર્મનીની કંપનીઓ હતી.
- Advertisement -
રેડિયો માટે પોસ્ટ ઓફિસમાંથી નિયત ફી ભરીને લાયસન્સ લેવું પડતું, આ રેડિયો સેટ ત્યારે નવી નવાઈ જેવું લાગતું
રેડિયોની દાસ્તાન હજી અનેક લોકોના હૃદયમાં જીવંત છે, ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટેશનો ધીમે ધીમે એક પછી એક ભલે બંધ થાય તો પણ રેડિયો હજુ જીવંત છે…
રેેડિયો સેટ હાંસિયામાં ધકેલાઈ ગયો હોવા છતાં 60 પ્લસ ઉંમરના સિનિયર સિટિઝન હજુએ રેડિયો સેટ દ્વારા સંગીત સાંભળે છે…
આ બધી કંપનીઓએ સતત સંશોધન અને વિકાસ કરીને અદ્ભુત રેડિયો અને કેસેટ પ્લેયર ( ટુ ઇન વન)આપ્યાં. લગભગ દોઢ કે બે દાયકા સુધી કેસેટોનું સામ્રાજ્ય રહ્યું. ત્યાર પછી ફિલિપ્સ અને સોની એ ભેગા મળીને કોમ્પેક્ટ ડિસ્ક નું સંશોધન કર્યું. પહેલાં ઓડિયો સીડી, પછી ડિવીડી આવી. સાથે સીડી પ્લયેર અને ત્યાર પછી ડિવીડી પ્લેયર આવ્યાં.
મનોરંજનની દુનિયા સતત બદલાતી રહી. થોડા સમય પછી એમપી થ્રી ની શોધ થઈ. એટલે એમ્પી થ્રી પ્લેયર આવ્યાં. ત્યાર બાદ શોધ થઈ બ્લુરે ડિસ્કની.એક બ્લુ રે ડિસ્કમાં ચાર પાંચ પિકચર આવી જાય. બ્લુ રે ડિસ્ક પ્લેયર આવ્યાં પણ અલ્પજીવી રહ્યાં. કેમકે આ દરમ્યાન પેનડ્રાઈવ અને મેમરી કાર્ડ ની શોધ થઈ ગઈ. ઓડિયો વીડિયો બંને ફોર્મેટમાં પેનડ્રાઈવ ચાલે. બ્લુ ટૂથ સ્પીકર આવી ગયા.
ટીવીની વાત કરીએ તો પહેલાં ઇ.સ.1980 પછી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યાં.ત્યાર પછી ઇ. સ. 1985-86માં કલર ટીવી આવ્યાં. આ ટીવી કેથોડ રે ટ્યુબ વાળા ઊંધી રકાબી જેવી સ્ક્રીન વાળા હતાં. ત્યાર પછી ફ્લેટ સ્ક્રીન વાળા ટીવી આવ્યાં. આ ટીવી મોટી સાઇઝના ડબા ટીવી હતાં. ત્યાર પછી આવ્યાં એલસીડી ટીવી અને પ્લાઝમા ટીવી. આ બંને પ્રકારના ટીવી અલ્પજીવી રહ્યાં.ત્યારપછી એલ ઈ ડી ટીવી આવ્યાં. ટીવી ક્ષેત્રે સતત સંશોધન અને વિકાસ થતાં રહ્યાં. ક્રિસ્ટલ કલીયર પિકચર માટે વૈજ્ઞાનિકો સતત મહેનત કરતાં રહ્યાં એટલે 4કે / 8 કે/ ઓ એલી ડી/ ક્યુ એલીડી / સ્માર્ટ ટીવી / એન્ડ્રોઇડ ટીવી/ ગૂગલ ટીવી એ આજે મનોરંજનની દુનિયામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે.દેશ અને દુનિયાભરની સેંકડો ચેનલો આપણે ટીવી ઉપર જોઈ શકીએ છીએ. ઓડિયો માં ડોલ્બી ડી ટી એસ/ ડોલ્બી એટમોસ 360 ડિગ્રી સરાઉંડ સાઉન્ડની સીસ્ટમો બજારમાં આવી ગઇ છે. રેડિયો પ્રસારણ ક્ષેત્રે પણ આશ્ચર્યજનક ક્રાંતિ આવી છે.
ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાના કોઈ પણ રેડિયો સ્ટેશનનું પ્રસારણ આપણે ઘેર બેઠા મોબાઈલ દ્વારા સાંભળી શકીએ છીએ ત્યારે રેડિયો સેટ હાંસિયામાં ધકેલાઈ ગયો હોવા છતાં 60 પ્લસ ઉંમરના સિનિયર સિટીઝન હજુએ રેડિયો સેટ દ્વારા સંગીત સાંભળે છે. ખાનગી એફ.એમ. રેડિયો સ્ટેશનો ની ભરમાર હોવા છતાં હજુયે વિવિધ ભારતી ઉપર પ્રસારિત થતાં ફિલ્મી ગીતોના (ખાસ કરીને જૂના ફિલ્મી ગીતો) કાર્યક્રમો સાંભળવા ગમે છે. રેડીઓનું વિસ્મય/ અને વળગણ કહો તો વળગણ હજુ જૂની પેઢીને છે. આ દાસ્તાન હજી મારા જેવા અનેક લોકોના હૃદયમાં જીવંત છે. ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટેશનો ધીમે ધીમે એક પછી એક ભલે બંધ થાય તો પણ રેડિયો હજુ જીવંત છે. આપણાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર મહિને એક વાર રાષ્ટ્રને પોતાના મનની વાત કરે છે તે ટીવી સાથે રેડિયો ઉપર પણ પ્રસારીત કરવામાં આવે છે. આજે રેડિયો તેની હયાતીની ઢળતી સંધ્યાએ આપણને કહે છે. “વો ક્યા દિન થે મેરે નકશે કદમ પર ચિરાગ જલતે થે, આજ કહાંસે લાઉં વો રંગત ગઈ બહારોં કી”