– રીજીયોનલ સાયન્સ સેન્ટરના કર્મચારીઓની ટીમ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર સરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે. તારીખ 15 ઓગસ્ટ 2023નાં રોજ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘77માં સ્વતંત્રતા દિવસ’ નિમિતે રાષ્ટ્ર માટે શહીદી વહોરનાર વીર સૈનિકોનાં પરિવારજનોના હસ્તે ધ્વજવંદન તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.
- Advertisement -
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા “લોકો દ્વારા, લોકો માટે” નો અભિગમ અપનાવી વખતો-વખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આપણી ભાવિ પેઢી – વિદ્યાર્થીઓ અને યુવાનોને અને રીજીયોનલ સાયન્સ સેન્ટરના તમામ મુલાકાતીઓને રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિનો પ્રેરણારૂપ સંદેશ આપી શકાય એ હેતુથી 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી આગવી ઢબે કરવામાં આવેલ, જેમાં રાષ્ટ્ર માટે સર્વસ્વ સમર્પિત કરનાર અને શહીદી વહોરનાર વીર શહીદોના પરિવારજનો, એવાં સુરેન્દ્રનગરના વડગામથી પરિવાર સાથે કાર્યક્રમમાં ખાસ પધારેલ વિરવધૂ રમીલાબેન મહેશભાઇ પરમાર, રાજકોટના વતની તથા ભુતપૂર્વ નાયબ સૂબેદાર કિરીટસિંહ જેલુભા ઝાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. આ ઉપરાંત સ્લમ વિસ્તારનાં બાળકોના ઉત્થાન માટે કાર્યરત સ્માઇલ એજ્યુકેશન ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા આશરે ત્રીસેક જેટલાં સ્લમ વિસ્તારના બાળકો સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો.
- Advertisement -
આ ઉપરાંત સેન્ટરની મુલાકાતે આવેલ મુલાકાતીઓ પણ જોડાયા હતા. પધારેલ મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિને અનુરૂપ તુલસીના છોડ આપી સ્વાગત કરવામાં આવેલ હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે સેન્ટરના કર્મચારીઓની ટીમ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં કથ્થક નૃત્ય, શૌર્ય કવિતા, દેશભક્તિ ગીત, અને સેન્ટરના મહિલા કર્મચારીઓ દ્વારા ગ્રૂપ ડાન્સ, જેવી કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી. કાર્યક્રમમાં ભાગ લેવાં માટે આવેલ બાળ મુલાકાતીઓ દ્વારા યોગા ડાન્સ, ભાવવિભોર કરી દેનાર દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવેલ. કાર્યક્રમમાં આમંત્રિત મેહમાનો, સ્લમ વિસ્તારનાં બાળકો તથા અન્ય મુલાકાતીઓ સહિત આશરે 300થી વધુ લોકોએ 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમમાં ગૌરવપૂર્ણ ભાગ લીધેલ હતો.