હાલ સમગ્ર રાષ્ટ્રમાં “મેરી મિટ્ટી, મેરા દેશ” અભિયાન ચાલી રહ્યું છે. રાષ્ટ્ર કાજે સેવામાં પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર વીરો, શહીદો અને વર્તમાનમાં દેશ સેવામાં કાર્યરત જવાનોને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન થકી દેશપ્રેમનો જુવાળ સૌ નાગરિકોમાં જોવા મળી રહ્યો છે.
આ અવસરે મૂળ રાણપુરના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા રિટાયર્ડ કર્નલ પી. પી. વ્યાસ “મારી માટી,મારો દેશ” અભિયાનની સરાહના કરતા કહે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આ અભિયાનનો વિચાર એ અમ સૌ જવાનો માટે અત્યંત હર્ષરૂપ છે. ભારતની આઝાદીમાં યોગદાન આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોને યાદ કરવાનો, ભારતના સમૃદ્ધ વારસા અને આઝાદીના ગૌરવનું સન્માન કરવાનો આ અવસર છે.
- Advertisement -
વધુમાં કર્નલ વ્યાસે યુવાનોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ભારતના આઝાદીના અમૃત મહોત્સવના પર્વ પર “મારી માટી, મારો દેશ” અભિયાન દ્વારા પોતાના દેહની આહુતિ દઇ પરિવારને ન્યોછાવર કરનાર દેશના વીરો તથા વીરાંગનાઓના સમર્પણને સૌ હંમેશાં યાદ રાખે તેમજ યુવાન દીકરા- દીકરીઓ મહેનત કરી, સત્યના માર્ગે ચાલી આપણા દેશને લૂંટનારા તત્વોથી દૂર રહે. યુવાધન સારા તત્વોનો સંગ કરી દેશના વિકાસના વાહકો બને, દેશની અખંડિતતાના સંરક્ષકો બને અને દેશને ફરીથી સોનાની ચિડીયા બનાવવા માટે પરિશ્રમ કરે. સાથે જ પોતાના દેહની આહુતિ આપનાર શહીદોના પરિવારો, તેના બાળકોને હંમેશા સન્માન આપી શકય મદદ કરીને પણ દેશ સેવકોનું ઋણ ઉતારવા, દેશપ્રેમને જાગૃત કરવા પ્રયત્નશીલ બનવા કર્નલ વ્યાસે અપીલ કરી હતી.
રિટા. કર્નલ પી.પી.વ્યાસે પોતાના કાર્યકાળ દરમિયાન નાગાલેન્ડ, જમ્મુ-કાશ્મીર વગેરે સ્થળો પર અત્યંત પ્રશંસનીય ફરજ બજાવી છે, જે બદલ તેમને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. દેશસેવા બાદ તેઓ હાલ સમાજ સેવાની અનેક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને ઇન્ટરવ્યૂની તૈયારી નિ:શુલ્ક કરાવે છે. ત્યારે નિવૃત્તિ પછી પણ સમાજ માટે અત્યંત પ્રવૃત્ત રહેલા આ વીર યોદ્ધાની આજના યુવાનોને કરવામાં આવેલી અપીલને વધાવીએ. ચાલો સૌ દેશસેવા માટે હંમેશ અગ્રસર રહીશું તેવું પ્રણ લઇએ…. ‘આપણી માટી આપણા દેશને નમન…..વીરોના વંદન’ કરીએ.