ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલનું RTOએ લાયસન્સ કર્યું રદ, છ માસમાં તથ્ય પટેલે કર્યા હતા 3 અકસ્માત.
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 19 જુલાઈની રાત્રે ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરો તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલના સળિયા ગણી રહ્યો છે. ત્યારે અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. ઇસ્કોન બ્રિજ ઉપર 141.27ની ઝડપે કાર ચલાવી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમ માટે RTO દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે.
- Advertisement -
કાયમ માટે સસ્પેન્ડ કરાયું ડ્રાઈવિંગ લાયસન્સ
ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલે 6 મહિનામાં જ 3 અકસ્માત સર્જ્યા હોવાનું તપાસમાં સામે આવતા અને વારંવાર ટ્રાફિક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થતાં આરટીઓ દ્વારા તેનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તથ્ય પટેલ વારંવાર ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરવામાં માહેર હોવાનું તપાસમાં સામે આવતા આરટીઓ દ્વારા આ એક્શન લેવામાં આવ્યું છે.
ગાંધીનગર પાસે સર્જ્યો હતો અકસ્માત
તથ્ય પટેલે અત્યાર સુધીમાં સર્જેલા અકસ્માતો વિશે વાત કરીએ તો તથ્યએ 6 મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં જેગુઆર કાર ઘુસાડી હતી. નવા વર્ષની પાર્ટીમાં ગયેલા તથ્ય પટેલે વાંસજડા ગામની ભાગોડે સાણંદ જતા મેઈન રોડ પર બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી. આ મામલે સાંતેજ પોલીસે તથ્ય પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
શીલજ રોડ પર થાંભલા સાથે અથડાવી હતી જેગુઆર
અમદાવાદમાં ચિત્તા ઝડપે જેગુઆર ચલાવી 9 જિંદગીને કચડી નાખનાર નબીરા તથ્ય પટેલે શીલજ રોડ પર જેગુઆર ગાડી થાંભલા સાથે અથડાવી હતી. અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલની ગાડીમાં તેના મિત્રો પણ સવાર હતા. પોલીસની તપાસ દરમિયાન જેગુઆર કંપનીમાં નો-ક્લેઇમ ઇન્શ્યોરન્સ તપાસમાં અકસ્માતની વિગતો આવી સામે હતી. માતેલા સાંઢની માફક દોડતી કારે ઓવરસ્પીડમાં અકસ્માત કર્યો હતો. જોકે આ દરમિયાન અકસ્માતમાં કોઇ જાનહાની થઈ ન હતી.
- Advertisement -
સિંધુભવન રોડ પરના કાફેમાં ઘુસાડી હતી ગાડી
તો આ નબીરાએ ગત 03 જુલાઈની રાત્રે પણ અકસ્માત સર્જ્યો હતો. તથ્ય પટેલે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર થાર કાર બેફામ ચલાવીને કેફેમાં ઘુસાડી દીધી હતી. 3 જુલાઈએ 0093 નંબરની થારને તથ્ય પટેલે સિંધુ ભવન રોડ પરના એક કેફેમાં ઘુસાડી દીધી હતી. તથ્ય પટેલે સિંધુભવન રોડ પર આવેલ કેફેની દીવાલ તોડી નાખી હતી. એ સમયે તથ્ય પટેલ અને કેફેના સંચાલકે સમાધાન કરી લીધું હતું. જોકે, ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ 3 જુલાઈની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં જોવા મળી રહ્યું છે કે તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે. થાર કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરાંની દીવાલ તોડી નાખે છે. આ મામલે M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.