ગર્ભપાત પાછળ ફેમિલી પ્લાનિંગ અને સારવારનો અભાવ સહિતના કારણ જવાબદાર
વર્ષ 2021-22માં ગુજરાતમાં 30187 મહિલાઓનું ગર્ભપાત થયો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં પાંચ વર્ષમાં 1.71 લાખથી વધુ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું છે, આ આંકડા વિધિવત્ રીતે નોંધાયેલા છે, બીજી બાજુ નહીં નોંધાયેલા આંકડા પણ મોટી સંખ્યામાં હશે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતમાં વર્ષ 2016-17માં 28204, વર્ષ 2017-18માં 42391, વર્ષ 2018-19માં 41833, વર્ષ 2019-20માં 28660 અને વર્ષ 2021-22માં 30187 મહિલાઓએ ગર્ભપાત કરાવ્યા છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે.
ગુજરાતમાં એક હજાર પુરુષે 919 મહિલાનો રેશિયો છે, કેન્દ્રના આ આંકડા અંગે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોટી સંખ્યામાં થઈ રહેલા ગર્ભપાત અંગે યોગ્ય તપાસ થવી જોઈએ, આધુનિકતાની વાતો વચ્ચે સ્ત્રીભૃણ હત્યાઓ પણ સમાજની કડવી વાસ્તવિકતા છે.
ગર્ભના ભૃણનું લિંગ પરીક્ષણ કરવું કે કરવા માટે અનુરોધ કરવો બંને ગંભીર ગુનો છે. જેન્ડર રેશિયોમાં ગુજરાત પાછળ છે. નબળી આર્થિક સ્થિતિ, શારીરિક બીમારી, ગર્ભમાં બાળકમાં ઓછો વિકાસ, ફેમિલી પ્લાનિંગનો અભાવ, પ્રેગ્નન્સી વખતે યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવી, સામાજિક કારણો સહિતના અન્ય કારણસર ગર્ભપાત કરાવવામાં આવે છે.
- Advertisement -
સામાજિક જાગૃતિ અને સલામત માતૃત્ત્વ માટે રાજ્ય સરકાર માત્ર પરિપત્રો કરીને વાહવાહી લૂંટશે કે કોઈ નક્કર કામગીરી કરાશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ગર્ભપાત કરવા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ છે, જેમાં ચોક્કસ કારણસર ગર્ભપાત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22માં ગુજરાતમાં 30187 મહિલાઓનું ગર્ભપાત થયું છે.