6 મહિનામાં ગીર સોમનાથ જિલ્લામાં 14 રેડ પાડવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા બાળશ્રમયોગી ટાસ્કફોર્સ સમિતિની મિટિંગ યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ જોખમી પ્રક્રિયાના વ્યવસામાં કામ કરતા તરૂણ શ્રમિકોને મુક્ત કરાવવા કડક સૂચન આપ્યા હતા તેમજ બાળ મજૂરી નાબૂદી અંગે યોગ્ય પ્રચાર પ્રસાર અંગે કામગીરીની સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
- Advertisement -
આ મિટિંગમાં બાળ મજૂરી અટકાવવા માટે કરવાની થતી કામગીરીનો ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન રજૂ કરાયો હતો અને કલેક્ટરશ્રી દ્વારા ગેરેજ, રેસ્ટોરન્ટ, બેકરી, નાના ધાબા વગેરેમાં બાળ શ્રમિકો જોવા મળતા હોય છે. જેથી આવા સ્થળોએ રેડનું આયોજન કરવા સૂચન કરાયું હતું.જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા સમક્ષ માહિતી રજૂ કરતા સરકારી શ્રમ અધિકારી એમ.એચ.પરમારે જણાવ્યું હતું કે, તા.27/06/2023ના રોજ ટાસ્કફોર્સ દ્વારા વેરાવળ શહેર, મોચી બજાર વિસ્તારમાં બાળ મજૂરી નાબૂદી અંગે રેડનું આયોજન કરાતા બાળશ્રમિક મળી આવેલ. જે અંગે એએક્સએન શૂઝ નામની બુટ-ચપ્પલની દુકાનના માલિક અમિત સવજીભાઈ ચુડાસમા સામે ગુન્હો દાખલ કરી અને બાળશ્રમયોગીને બાળ સંરક્ષણ ગૃહ વેરાવળને સોંપવામાં આવેલ.
આ ઉપરાંત તેમણે ગુમાસ્તા ધારા અને બાળ શ્રમિક અંગે નિરિક્ષણ, દાખલ કોર્ટ કેસ, પડતર કેસ, નિકાલ કેસ અને દંડ વગેરેની પણ માહિતી આપી હતી અને મિટિંગમાં જાન્યુઆરી-2023થી લઈ અને જૂન-2023 સુધીમાં બાળશ્રમિક (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-1986 અન્વયે થયેલ કામગીરીની વિગતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.