ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ રેસકોર્સ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉપસ્થિતિમાં રૂપિયા 2030 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ થવા જઈ રહ્યા છે, જેમાં એક લાખથી વધુ લોકો સભા સ્થળે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમ પાંચ ડોમ્સમાં લોકો બેસીને નિહાળી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા મુખ્ય સ્ટેજમાં બેક ડ્રોપ એલ.ઈ.ડી. તેમજ ચાર ડોમમાં સેન્ટ્રલ એલ.ઈ.ડી. સહિત અન્ય 30 એલ.ઈ.ડી. સ્ક્રીન મળી કુલ 35 એલઇડી સ્ક્રીન પર કાર્યક્રમ લાઈવ જોઈ શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ માટે ખાનગી કંપનીના 10 કેમેરા દ્વારા કાર્યક્રમ શૂટ કરવામાં આવશે તેમ જ દૂરદર્શનના વિવિધ કેમેરાઓ દ્વારા લાઈવ કરવામાં આવશે. જ્યારે અત્યાધુનિક ઓડિયો સિસ્ટમ સાથે અમદાવાદની કંપની દ્વારા મિક્સર તેમજ મોનિટર સહિત 144 સાઉન્ડ બોક્સ મૂકવામાં આવ્યા છે. એલ.ઇ.ડી સ્ક્રીન વ્યવસ્થાપન માટે 75 થી વધુ નો સ્ટાફ તેમજ ઓડિયો સિસ્ટમ કંટ્રોલિંગ માટે નેટવર્ક મેનેજર સિસ્ટમ કંટ્રોલર સહિત 40 થી વધુ નો સ્ટાફ જોડાયેલો છે. મુખ્ય કાર્યક્રમો ઉપરાંત પ્રધાનમંત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણની ફિલ્મ સ્ક્રીન પર લોકો નિહાળશે.
- Advertisement -
આ સાથે વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ લોકો લાઈવ સ્ક્રીન પર જોઈ માણી શકશે. રેસકોર્સ કાર્યક્રમ દરમ્યાન પાવર બેકઅપ માટે કુલ 3375 કે.વી. ના 19 જનરેટર ગોઠવવામાં આવ્યા છે. જેમાં સાઉન્ડ માટે બે 250 કે.વી., બેકડ્રોપ એલ.ઈ.ડી. માટે 325 કે.વી. , એરકંડીશન માટે બે 500 કે.વી., લાઈટ, પંખા સહીત ઇલેક્ટ્રિક સપ્લાય માટે 125 કે.વી. ના 12 સેટ, અન્ય બેકડ્રોપ એલ.ઈ.ડી. માટે 250 કે.વી. નો એક એસ્ટ તેમજ સાઈડ એલ.ઈ .ડી. માટે 200 કે.વી. નો એક સેટ ઉપલબ્ધ કરાયો છે.
જનસભામાં રજૂ થશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો
શાહબુદ્ધીન રાઠોડ તથા ધીરૂભાઈ સરવૈયાનો હસાયરો તેમજ ગીતા રબારી દેશભકિતના ગીતોની રમઝટ બોલાવશે: પ્રાકૃતિક ખેતીને અપનાવવાની હાકલ કરતી ધરતી કરે પુકાર નૃત્યનાટીકા ભજવાશે
- Advertisement -
વડાપ્રધાન મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ માટે તા.27મી જુલાઈના રોજ રાજકોટ પધારી રહ્યા છે, ત્યારે રેસકોર્સમાં તેઓની જંગી સભા યોજનામાં આવી છે. આ સભામાં જનમેદનીને મનોરંજન સાથે માહિતી મળે તે માટે લોકડાયરો, હસાયરો, લોકગીતો તેમજ વિશેષ નૃત્ય નાટિકા લોકાર્પણ પ્રસંગે 24 ભાઈઓ અને 27 બહેનો મળી 51 કલાકારો, રેસકોર્ષ રોડ પર પોલીસ હેડ ક્વાર્ટર ચોક ખાતે 63 ભાઈઓ અને 44 બહેનો મળી 107 કલાકારો તેમજ રેસકોર્ષ મેદાનમાં કાર્યક્રમસ્થળે 28 ભાઈઓ અને 23 બહેનો મળી 51 કલાકારો સહિત અંદાજે 209 કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કલાની રોચક પ્રસ્તુતિ કરશે. તેમણે કહ્યું હતું કે લોકાર્પણ કાર્યક્રમમાં મનોરંજન સાથે જનજાગૃતિ અર્થે ’ધરતી કરે પુકાર’ નૃત્યનાટિકા ભજવવામાં આવશે. ઉપરાંત રાજ્યના જાણીતા હાસ્ય કલાકાર શાહબુદીન રાઠોડ હાસ્યની રેલમછેલ રેલાવશે, તો ધીરુભાઈ સરવૈયા હળવીશૈલીમાં ડાયરો જમાવશે. લોકગાયિકા સુશ્રી ગીતાબેન રબારી દેશભક્તિ ગીતોની રમઝટ બોલાવશે તેમજ ગુજરાતની વિકાસગાથા અને નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાનશ્રી તરીકે નવ વર્ષની યાત્રા રસપ્રદ શૈલીમાં વર્ણવશે.
વડાપ્રધાન મોદીને આવકારતી રંગોળી બનાવાઈ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી રહ્યા છે ત્યારે તેના સ્વાગત માટે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે તેમના આગમન પૂર્વે શહેરનાં એરપોર્ટ પાસે ચીત્રનગરીનાં 60 કલાકારો દ્વારા નરેન્દ્રભાઇ મોદી, વિમાન, 75માં આઝાદી કા અમૃત મહોત્સવ સહિતની વિવિધ 50 રંગોળીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જે તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.