જીએસટી ચોરી તથા કૌભાંડો રોકવા માટે એક મહિના સુધી હાથ ધરાયેલી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં 19492 કરોડની ટેકસચોરીનો ખુલાસો થયો છે અને બોગસ ઈનપુટ ટેકસ ક્રેડીટ રીફંડ મેળવનારા 10 જેટલા કૌભાંડીયાઓની અટકાયત કરવામાં આવી છે.
ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) વિભાગ દ્વારા હાથ ધરાયેલુ દેશવ્યાપી અભિયાન ગત 15મી જુલાઈએ પુર્ણ થયુ હતું અને તે દરમ્યાન 19492 કરોડની ટેકસચોરીને પર્દાફાશ થયો છે.
- Advertisement -
સેન્ટ્રલ અને સ્ટેટ એમ બન્ને વિભાગોએ ઝુંબેશ ચલાવી હતી અને કાયદાની છટકબારીઓનો દુરુપયોગ કરતા કૌભાંડીયાઓની ગરદન પકડી હતી. આ અભિયાનથી ઈનપુટ ટેકસ ક્રેડીટના 6200 કરોડના દાવા પણ અટકાવી દેવામાં આવ્યા હતા.
ટેકસચોરીના કેસોમાં અંદાજીત 79 કરોડની રકમ રીકવર કરવામાં આવી છે અને તેમાં તપાસ ચાલુ જ રાખવામાં આવી છે. સમગ્ર ઝુંબેશમાં 69286 જીએસટી રજીસ્ટ્રેશનની ચકાસણી કરવામાં આવી હતી તેમાંથી 20862નો કોઈ અતોપતો જ ન હતો.
જીએસટી વિભાગ દ્વારા બોગસ ટેકસ દાવા કરનારા 10 લોકોની અટકાયત કરવામાં આવી હતી. હજુ વધુ ધરપકડ થવાની શકયતા નકારાતી નથી. દેશમાં કુલ 1.39 કરોડ રજીસ્ટર્ડ જીએસટી કરદાતા છે.
- Advertisement -
શંકાસ્પદ કરદાતાઓની ચકાસણી માટે ડેટા એનાલીટીકસ તથા આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેકસચોરી સંબંધીત ડેટા અન્ય એજન્સીઓને પણ આપવામાં આવ્યો છે. ટેકસચોરીની નવી છટકબારીનો પર્દાફાશ જયારે પગલે કેટલાંક નવા નિયમો પણ દાખલ કરવામાં આવ્યા છે.
ધમધમતા અર્થતંત્ર તથા ટેકસચોરી રોકવાના પ્રયાસોથી દેશમાં જીએસટીની માસિક વસુલાત 1.5 લાખ કરોડને પાર થઈ જ ગઈ છે. જુનમાં 1.61 લાખ કરોડે પહોંચી હતી. જો કે, કડક નિયમો છતાં જીએસટીમાં કૌભાંડોના કિસ્સા વધી જ રહ્યા છે. 2022-23માં 14000 કેસ નોંધાયા હતા.