ખાસ-ખબર સંવાદદાતા
ભારતના ડબલ્સ બેડમિંટન ખેલાડી સાત્વિક સાઈરાજ રાન્કિરેડ્ડીએ બેડમિંટનના ઈતિહાસમાં સૌથી ઝડપી સ્મેશ ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. સાત્વિકની સ્મેશને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. સાત્વિકે આ સ્મેશ જાપાનમાં યોજાયેલા એક પરિક્ષણ દરમિયાન ફટકારી હતી. એક દશક બાદ ફાસ્ટેસ્ટ સ્મેશનો વર્લ્ડ રેકોર્ડ તુટ્યો હતો. સાત્વિકની સ્મેશની ઝડપ 565 કિલોમીટર પ્રતિ કલાકની હતી.
જે બેડમિંટનના ઈતિહાસમાં સૌથી ઝડપી હતી. તેણે 2013માં મલેશિયાના ટાન બૂન હેઓંગે નોંધાવેલા વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ટાન બૂન હેઓંગે 493 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્મેશ ફટકારી હતી. સાત્વિકની સ્મેશે તો ફોર્મ્યુલા વન કારની મહત્તમ 372.6 કિમી પ્રતિ કલાકની ઝડપથી પણ આગળ વધી ગઈ હતી.
- Advertisement -
મલેશિયાની ટાન પેરલીના નામે મહિલા બેડમિંટનમાં સૌથી ઝડપી સ્મેશનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. તેણે 438 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્મેશ ફટકારી હતી. જાપાનની એક સ્પોર્ટ્સ મેન્યુફેક્ચર કંપનીએ નિયંત્રિત વાતાવરણમાં ફાસ્ટેસ્ટ સ્મેશની ચકાસણી કરી હતી. જેમાં સાત્વિક અને ટાને નવો ઈતિહાસ આલેખી દીધો હતો.