સનદ માટે મનફાવતી ફી ઉઘરાવતી બાર કાઉન્સિલને હાઇકોર્ટનો આંચકો
નવા એનરોલ થતાં વકીલો પાસેથી 25 હજાર ફી ઉઘરાવવા સામે અરજી
- Advertisement -
નિર્ણયને પડકારનાર વકીલ પાસેથી માત્ર રૂ. 750 જ વસૂલવા બીસીજીને આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
વકીલાતની સનદ માટે અલગ અલગ મથાળા હેઠળ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા નવા એનરોલ થતાં વકીલો પાસેથી રૂ. 25 હજાર જેટલી માતબર ફી ઉઘરાવવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં હાઈકોર્ટે ગુજરાત બાર કાઉન્સીલ અને બાર કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયાને નોટિસ જારી કરી હતી. વધુમાં હાઇકોર્ટે વચગાળાની રાહત રૂપે અરજદારને માત્ર રૂ.750 ફી વસૂલી એનરોલ કરવા ગુજરાત બાર કાઉન્સિલને હુકમ કર્યો છે.
ગુજરાતમાં વકીલાતની સનદ માટે નવા એનરોલ થતાં વકીલો પાસેથી વધુ પડતી ફી ઉઘરાવાતી હોવાની ફરિયાદ કરાયેલી વધુ એ રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, એડવોકેટ એકટની જોગવાઇ મુજબ, વકીલાતની સનદ માટે રૂ.750 જ ફી ઉઘરાવી શકાય પરંતુ ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા નવા એનરોલ થતા વકીલો પાસેથી સનદ આપતી વખતે જુદા જુદા મથાળા હેઠળ રૂ.25 હજાર જેટલી માતબર ફી ઉઘરાવાઇ રહી છે, જે બિલકુલ ગેરકાયદે, ગેરવાજબી અને અયોગ્ય છે. વકીલાતની સનદ માટે અલગ અલગ કારણોના ઓઠા હેઠળ રૂ.31 હજારથી વધુ ફી ઉઘરાવી લેવાય છે.
- Advertisement -
સમગ્ર વકીલ વર્તુળોમાં ભારે ચર્ચા
ગુજરાત હાઇકોર્ટના આ વચગાળાના આદેશને પગલે રાજયમાં કોઇ નવો વકીલ માત્ર રૂ.750 જ સનદ ફી ભરી અધિકૃત સનદ મેળવી વકીલ બનશે તેવો આ રાજયનો પ્રથમ કિસ્સો છે. સને 1994 પછી આટલી ઓછી રકમની સનદ ફીમાં વકીલ બન્યાનો પહેલો કિસ્સો હોઇ સમગ્ર વકીલવર્તુળોમાં ભારે ચર્ચા ચાલી છે.