ખાસ-ખબર સંવાદદાતા
આગામી વિધાનસભાથી ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ચાર રાજ્યોમાં તોફાની મુલાકાત કરવાના છે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે ઙખ મોદી આગામી 7 અને 8 જુલાઈના રોજ ચાર રાજ્યોની મુલાકાત લેશે, જેમા ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોના પાંચ શહેરોની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદી 36 કલાકમાં 4 રાજ્યોનો પ્રવાસ કરશે, જેમા પાંચ મોટા શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ ઉપરાંત પીએમ મોદી લગભગ 50 હજાર કરોડની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરવાના છે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશને છોડીને બાકીના ત્રણ રાજ્યોમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવામાં પીએમ મોદીની મુલાકાત મહત્વની ગણી શકાય છે.
પીએમ મોદીના આ પ્રવાસમાં ચાર રાજ્યોના પાંચ મોટા શહેરોમાં રાયપુર (છત્તીસગઢ) ગોરખપુર (ઉત્તર પ્રદેશ), વારાણસી (ઉત્તર પ્રદેશ), વારંગલ (તેલંગણા) અને બીકાનેર (રાજસ્થાન)માં ડઝનબંધ કાર્યક્રમ યોજાયા છે. ત્યા પીએમ મોદી લગભગ 50 હજાર કરોડની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરવાના છે.
7 જુલાઈએ પીએમ મોદી દિલ્હીથી રાયપુર જશે.અને ત્યા કેટલીક યોજનાઓનું શિલાન્યાસ કરી લોકાર્પણ કરશે.
- Advertisement -
તેમાં રાયપુર-વિશાખાપટ્ટનમ કોરિડોરના છ લેન સેક્શન આધારે શિલાન્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ પછી પીએમ મોદી ગોરખપુર જશે, જ્યાં તેઓ ગીતા પ્રેસના કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.
ગોરખપુર બાદ પીએમ મોદી તેમના મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. અહીં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તે પછી પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શનથી ફ્રેટ કોરિડોરની નવી લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટના નવીનીકરણનું શિલાન્યાસ પણ કરવાના છે.
8 જુલાઈના રોજ પીએમ મોદી વારાણસીથી તેલંગાણાના વારંગલ જશે. ત્યા તેઓ નાગપુર-વિજયવાડા કોરિડોર સહિતની વિવિધ યોજનાઓનું શિલાન્યાસ કરશે. ત્યાર બાદ અહીં તેઓ એક જનસભાને પણ સંબોધિત કરવાના છે.
પછી પીએમ મોદી વારંગલથી બીકાનેર જવા રવાના થશે. અહીં તેઓ અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેના વિવિધ વિભાગોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ બિકાનેર રેલ્વે સ્ટેશનના પુન:વિકાસ માટે શિલાન્યાસ કરશે અને ત્યારબાદ એક જાહેર સભાને સંબોધન કરી પોતાના બે દિવસીય કાર્યક્રમ પુરો કરશે.