પૂર્વ અમદાવાદ બેટમાં ફેરવાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને શહેરમાં 10 વાગ્યા બાદ અનેક વિસ્તારમાં ભારે વરસાદ શરુ થયો છે. શહેરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- Advertisement -
અમદાવાદ માત્ર ગણતરીના કલાકમાં વરસેલા ધોધમાર વરસાદે બેટમાં ફેરવાયું હતું. પૂર્વ અમદાવાદમાં વરસેલા વરસાદે અડધું અમદાવાદ પાણીમાં ડૂબ્યું હતું. જોકે, પશ્ર્ચિમ અમદાવાદને ઓછા વરસાદે બચાવી લીધું હતું. પૂર્વ અમદાવાદમાં પાણી પાણી થઈ ગયું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. શહેરના સરદારનગર, કોતરપુર, નરોડા સહિતના વિસ્તારોમાં એક ઇંચથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આથી ઠેર ઠેર પાણી ભરાયા છે.
અમદાવાદનાં નરોડા, નવા નરોડા, નિકોલ, કૃષ્ણનગર, સૈજપુર, મેસ્કો, શિવરંજની, શ્યામલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર તેમજ એસજી હાઈવે પર વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો હતો. શહેરમાં પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.
અમદાવાદના મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલરી ધરાશાયી, ફાયર બ્રિગેડે 30 લોકોનું રેસ્ક્યૂ કર્યુ
- Advertisement -
શહેરમાં જર્જરિત થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાટર્સના બ્લોકની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો. પહેલા એક સામાન્ય ભાગ પડ્યો ત્યાર બાદ આખી ગેલેરી તૂટી પડી હતી. લોકોએ શરૂઆતમાં ધ્યાન નહોતુ આપ્યું પણ પાછળથી લોકોમાં દોડાદોડ થઈ ગઈ હતી.ઉપરના માળે રહેતા રહીશોના ઘરની બહાર જ નીકળવાનો રસ્તો બંધ થઈ જતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાછળના ભાગેથી બારીમાંથી લોકોને રેસ્ક્યૂ કરી તમામના જીવ બચાવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે 30 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
દાદરાનગર હવેલી-દમણમાં રેડ એલર્ટ
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ત્યારે સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.