-સર્વોચ્ચ સ્તરે રહેલા ભારતીય શેરબજારમાં તેજી વધુ આગળ ધપશે: વિદેશી સંસ્થાઓએ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 12350 કરોડનું રોકાણ કર્યું
ભારતીય શેરબજારે નવો ઈતિહાસ રચ્યો છે.બુધવારે સેન્સેકસમાં 64000 તથા નીફટી 19000 ને આંબી ગયા છે. વિશ્વ સ્તરે સ્લોડાઉન વચ્ચે ભારતીય આર્થિક વિકાસની જળવાયેલી રફતારથી શેરબજારની તેજી હજુ નવા-નવા સીમાચિન્હો સ્થાપવાની અટકળો વ્યકત થઈ જ રહી છે. ત્યારે વર્તમાન તેજીમાં ઈન્વેસ્ટરોની કમાણી છેલ્લા એક વર્ષમાં 49 લાખ કરોડ થઈ છે. ભારતીય શેરબજાર આજે બકરી ઈદની રજા નિમિતે બંધ રહ્યું છે. તે પૂર્વે બીજા બુધવારે જ નવો ઈતિહાસ રચી દીધો હતો આ સાથે મુંબઈ શેરબજારનું માર્કેટ કેપીટલાઈઝેશન 300 લાખ કરોડની નજીક પહોંચી ગયુ હતું. તે પણ એક રેકોર્ડ છે.
- Advertisement -
છેલ્લા એક વર્ષમાં તેમાં 48 લાખ કરોડનો વધારો થયો છે. સેન્સેકસ આધારીત શેરો પૈકી આઈટીસીએ સૌથી વધુ 67 ટકાની કમાણી કરાવી છે. જયારે ઈન્ડુસઈન્ડ બેંકમાં 64 ટકા, લાર્સનમાં 56 ટકા, ટાઈટનમાં 54 ટકા, તથા એકસીસ બેંકમાં 53 ટકાની કમાણી થઈ હતી. ભારતીય શેરબજારનો સેન્સેકસ 30 ડીસેમ્બર 2022 ના રોજ 60841 તથા નીફટી 18125 હતો તે બુધવારે ઈન્ટ્રા-ડે 64000 તથા 19000 ને પાર થયા બાદ અનુક્રમે 63915 તથા 189.72 બંધ આવ્યો હતો. શેરબજારનાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ભારતીય અર્થતંત્ર ધમધમતું હોવાથી અને ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોવાથી સારી અસર છે. કોર્પોરેટ પરીણામો અફલાતુન આવતા હતા વિદેશી સંસ્થાઓ જંગી ખરીદી કરી રહ્યાનો પણ પ્રભાવ છે.
મે મહિનાથી વિદેશી ફંડોએ 85000 કરોડ ઠાલવ્યા હોવાના સતાવાર આંકડા જારી થયા છે ભારતીય જીડીપી વિકાસદર સળંગ ત્રણ વર્ષ સુધી ઉંચા સ્તરે રહેવાના અંદંજનો પણ સારો પ્રભાવ હતો. વિદેશી ફંડોએ ગઈકાલે એક જ દિવસમાં 12350 કરોડની રેકોર્ડબ્રેક ખરીદી કરી હતી તેમાં અમેરીકી ફંડો અદાણી ગ્રુપમાં કરેલુ એક અબજનું રોકાણ સામેલ છે. વર્ષ દરમ્યાન ઈન્વેસ્ટરોની મુડીમાં 48 લાખ કરોડનો વધારો થયો છે. તેમાંથી બે લાખ કરોડ ગઈકાલે એક જ દિવસમાં વધી ગયા હતા. નિષ્ણાંતો આવતા મહિનાઓમાં પણ તેજી જ રહેવાનું અનુમાન દર્શાવી રહ્યા છે.ચીનનું અર્થતંત્ર નબળુ છે ત્યારે ભારતને મોટો ફાયદો થઈ શકે છે.