આઠ જુલાઇની પંચાયત ચૂંટણી: કોલકાતા હાઇકોર્ટની મમતાને લપડાક
ખાસ-ખબર સંવાદદાતા
પશ્ચિમ બંગાળમાં 8 જુલાઇએ થનારી પંચાયત ચૂંટણી અગાઉ રાજ્યમાં થયેલી હિંસા અંગે કોલકાતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.બંગાળની મમતા સરકારની ટીકા કરતા કોર્ટે રાજ્યમાં સુરક્ષા દળો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું છે કે જો પંચાયત ચૂંટણીમાં ગડબડ થશે તો તેની સીબીઆઇ તપાસ કરાવવામાં આવશે.
- Advertisement -
આ સાથે જ કોલકાતા હાઇકોર્ટે બંગાળ સરકાર અને રાજ્ય ચૂંટણી પંચની અરજી પણ ફગાવી દીધી છે. આ અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે ચૂંટણી રાજ્યની અંદર હોવાથી કેન્દ્ર હસ્તક્ષેપ ન કરી શકે. હાઇકોર્ટે જણાવ્યું છેં કે ચૂંટણી કરાવવી હિંસાનું લાયસન્સ નથી. 8 જુલાઇએ થનારી સ્થાનિક એકમોની ચૂંટણી માટે હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળો તૈનાત કરવા સામેના મમતાના વિરોધને ફગાવી દીધો છે.
હાઇેકોર્ટે બંગાળ સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે અમે એ વાતની પ્રશંસા કરીએ છીએ કે તમારી પાસે લોકતાંત્રિક વ્યવસ્થા છે પણ હિંસાને કોઇ પણ સંજોગોમાં સહન કરી શકાય તેમ નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે રાજય ચૂંટણી પંચે 8 જુલાઇની પંચાયત ચૂંટણી માટે કેન્દ્રીય સુરક્ષા દળોની ફક્ત 22 કંપનીઓની માગ કરી છે જે ખૂબ જ અપૂરતી છે. કારણકે એક કંપનીમાં 80 જવાનો હોય છે. આમ કુલ 1760 જવાનોની જ માગ કરવામાં આવી છે જે ખૂબ જ ઓછી છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે 2013ની પંચાયત ચૂંટણીમાં પણ કેન્દ્રીય સુરક્ષા દળોના 82,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા હતાં.